કુણધાના બાજીપુરા ફળિયામાં પાયાની સુવિધાના અભાવે સર્જાઈ કરુણ સ્થિતિ
મેનાબેન કટારાએ સમયસૂચકતા દાખવી રસ્તા પર જ કરાવી સફળ પ્રસૂતિ, માતા-બાળક બંને સ્વસ્થ
(પ્રતિનિધિ) લીમખેડા
‘ડિજિટલ ઈન્ડિયા’ અને ‘સ્માર્ટ વિલેજ’ના દાવાઓ વચ્ચે દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ પાયાની સુવિધાઓનો અભાવ કેટલો ગંભીર છે તેનો ચોંકાવનારો કિસ્સો લીમખેડા તાલુકાના કુણધા ગામમાં સામે આવ્યો છે. પાકા રસ્તાના અભાવે સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ખુલ્લા રસ્તા પર બાળકને જન્મ આપવાની ફરજ પડી હતી.
કુણધા ગામના બાજીપુરા ફળિયામાં રહેતા સવિતાબેન રાવતને વહેલી સવારે પ્રસૂતિની પીડા શરૂ થતાં પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે ફળિયા સુધી પહોંચવા યોગ્ય રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સને મુખ્ય માર્ગ પર જ ઉભી રાખવી પડી હતી. પરિવારજનોએ સવિતાબેનને પગપાળા એમ્બ્યુલન્સ સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રસ્તામાં જ પીડા અસહ્ય બનતાં તેઓ આગળ ચાલી શક્યા નહોતા.
ઘટનાની જાણ થતાં આશા વર્કર મેનાબેન કટારા તાત્કાલિક દોડી આવ્યા હતા. કોઈ આધુનિક સાધનો કે સુવિધા વિના તેમણે ખુલ્લા રસ્તા પર જ પ્રસૂતિ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરાવી હતી. તેમની સમયસરની મદદથી માતા અને નવજાત બાળકનો જીવ બચી ગયો હતો.
માતા-બાળક બંને સ્વસ્થ, આશા વર્કરના સન્માનની ઉઠી માંગ
પ્રસૂતિ બાદ સવિતાબેન અને નવજાતને મુખ્ય માર્ગ પર ઉભેલી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને બાદમાં લીમખેડા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ માતા અને બાળક બંને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાએ એક તરફ ગામડાઓમાં રસ્તા જેવી મૂળભૂત સુવિધાના અભાવને ઉજાગર કર્યો છે તો બીજી તરફ આશા વર્કર મેનાબેન કટારાની માનવતા, ફરજપ્રતિની નિષ્ઠા અને સેવા ભાવનાને પણ ઉજાગર કરી છે. સ્થાનિક લોકોમાં હવે એવી લાગણી વ્યક્ત થઈ રહી છે કે આવા કર્મનિષ્ઠ આશા વર્કરનું સરકારી સ્તરે સન્માન થવું જોઈએ, કારણ કે તેમણે પોતાની ફરજ કરતાં પણ આગળ વધીને બે જીવ બચાવવાનો માનવતાભર્યો દાખલો પૂરો પાડ્યો છે.
રિપોર્ટર: દિનેશ શાહ