Shinor

100 ફૂટ ઊંડા કૂવામાં 4 દિવસથી ફસાયેલા શ્વાનને જીવતદાન, સાધલીમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન સફળ

શિનોર વન વિભાગના માર્ગદર્શન હેઠળ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસરની ટીમે સ્થાનિકોના સહયોગથી બચાવ્યો શ્વાન; જીવદયાનું અનોખું ઉદાહરણ

શિનોર, પ્રતિનિધિ

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામે માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. સાધલી-દિવેર રોડ પર આવેલા એક ફાર્મ હાઉસના અંદાજે 100 થી 150 ફૂટ ઊંડા કૂવામાં ચાર દિવસથી ફસાયેલા શ્વાનને શિનોર વન વિભાગના માર્ગદર્શન હેઠળ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસરની ટીમે સ્થાનિક લોકોના સહયોગથી સુરક્ષિત રીતે બહાર કાઢી જીવતદાન આપ્યું હતું.

મળતી માહિતી મુજબ, સાધલી ગામ નજીક દિવેર રોડ પર ખેડૂત ભુરાભાઈ પટેલનું ફાર્મ હાઉસ આવેલું છે. ફાર્મ હાઉસમાં આવેલા ઊંડા કૂવામાં ચાર દિવસ અગાઉ એક શ્વાન અકસ્માતે ખાબકતાં બહાર નીકળી શક્યો ન હતો. કૂવામાં ફસાયેલા શ્વાનના સતત ભસવાના અવાજ સંભળાતા સમગ્ર ઘટનાની જાણ ખેડૂતને થઈ હતી.

ઘટનાની જાણ થતાં ખેડૂત ભુરાભાઈ પટેલે તાત્કાલિક શિનોર વન વિભાગનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ શિનોર વન વિભાગના માર્ગદર્શન હેઠળ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસરના ભરત મોરે અને તેમની ટીમ તુરંત સ્થળ પર દોડી આવી હતી.

કૂવાની ઊંડાઈ અને જોખમી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક લોકોના સહયોગથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ટીમે વિશેષ રેસ્ક્યુ સાધનોની મદદથી ભારે જહેમત ઉઠાવી શ્વાન સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. કલાકોની મહેનત બાદ આખરે ટીમે શ્વાનને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.

સફળ રેસ્ક્યુ બાદ શ્વાનને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. ચાર દિવસથી કૂવામાં ફસાયેલા નિર્દોષ જીવને બચાવવામાં સફળતા મળતા સ્થાનિકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. ગ્રામજનોએ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલા શિનોર વન વિભાગ, વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસરની ટીમ તેમજ સહયોગી સ્થાનિકોની પ્રશંસા કરી હતી.

આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે માનવતા અને જીવદયા હજુ પણ સમાજમાં જીવંત છે અને સમયસરની કામગીરીથી એક નિર્દોષ જીવનો જીવ બચાવી શકાય છે.

Most Popular

To Top