Vadodara

વડોદરા : ડુંગળીના કોથળાની આડમા દારૂની હેરાફેરી ઝડપાઈ, રૂ.15.32 લાખના દારૂ સાથે રૂપિયા 20.38 લાખનો મુદ્દા માલ જપ્ત

એલસીબી ઝોન-1ની ટીમે અમદાવાદ વડોદરા નેશનલ હાઇવે પર ફાજલપુર પાસેથી દારૂ ભરેલો ટ્રક પકડ્યો, ડ્રાઇવર ઝડપાયો અને સપ્લાયર વોન્ટેડ

વડોદરા તા.12

અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે પર ફાજલપુર પાસેથી ડુંગળીના કોથળાની આડમાં સંતાડીને લવાતો રૂ.15.32 લાખના વિદેશી દારૂ ભરેલા ટ્રકને એલસીબી ઝોન-1ની ટીમે ઝડપી પાડ્યો છે. દારૂનો જથ્થો, રૂપિયા પાંચ લાખ મોબાઇલ, રોકડ અને અન્ય સામાન સહિત રૂ.20.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી દારૂનો જથ્થો સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.

લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન-1ની ટીમ ગુરૂવાર ના રોજ પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે નં.48 પર ફાજલપુર ગરનાળા નજીક ઉભેલા એક ટ્રકમાં ડુંગળીના કોથળા નીચે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે.
બાતમીના આધારે એલસીબીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રકની તપાસ હાથ ધરી હતી. ટ્રકના ઉપરના ભાગમાં ડુંગળીના કોથળા ભરેલા જોવા મળ્યા હતા. જોકે, કોથળા હટાવી તપાસ કરતા નીચે પુઠ્ઠાના બોક્સમાં ગોઠવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટ્રક ચાલક જયંતિ દેવુ માથાસુરિયા (રહે. ડોળીયા, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર)ને સ્થળ પરથી ઝડપી લીધો હતો. ટ્રકમાંથી બેગપાઈપર ક્લાસિક વ્હિસ્કીની 1,116 બોટલ, રોયલ ચેલેન્જ વ્હિસ્કીના 2,256 ક્વાર્ટર, મેજિક મોમેન્ટ્સ ઓરેન્જ ફ્લેવર વોડકાના 912 ક્વાર્ટર તેમજ અરબેલા બ્રાન્ડની ઓરેન્જ અને ગ્રીન એપલ વોડકાના 2,304 ક્વાર્ટર મળી રૂ.15.32 લાખનો દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ, રૂ.5 લાખનો ટ્રક, મોબાઇલ ફોન, રોકડ રકમ અને જરૂરી દસ્તાવેજો સહિત રૂ.20.38 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન ડ્રાઇવરે દારૂ ભરેલો ટ્રક કિમ એક્સપ્રેસ હાઇવે નજીકથી સવજી માથાસુરિયા નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. આ માહિતીના આધારે પોલીસે ફરાર સવજી માથાસુરિયાને વોન્ટેડ જાહેર કરી આરોપી અને મુદ્દા માલ નંદેસરી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો છે.

Most Popular

To Top