India

ભારતની પરમાણુ નીતિમાં મોટો ફેરફાર? પ્રથમ વખત 12 પરમાણુ હથિયારો ‘રેડી ટુ ફાયર’ સ્થિતિમાં તૈનાત હોવાનો SIPRIનો દાવો

વિશ્વના અગ્રણી શસ્ત્ર નિયંત્રણ અને સુરક્ષા અભ્યાસ સંસ્થા દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલમાં ભારતની પરમાણુ નીતિ અંગે મહત્વપૂર્ણ દાવો કરવામાં આવ્યો છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, ભારતે પ્રથમ વખત 12 પરમાણુ વોરહેડ્સને “ઓપરેશનલી ડિપ્લોયડ” અથવા ‘રેડી ટુ ફાયર’ સ્થિતિમાં તૈનાત કર્યા છે. જો કે અત્યાર સુધી ભારત પરમાણુ હથિયારો અને તેને લોન્ચ કરનારી મિસાઈલ સિસ્ટમોને અલગ-અલગ રાખવાની નીતિ અપનાવતું હતું.

SIPRIના દાવા મુજબ, આ બદલાવ ભારતની દાયકાઓ જૂની પરમાણુ વ્યૂહરચનાથી અલગ છે. અગાઉ પરમાણુ વોરહેડ્સ અને ડિલિવરી સિસ્ટમો અલગ સંગ્રહમાં રાખવામાં આવતા હતા, પરંતુ હવે કેટલાક હથિયારોને ઝડપી પ્રતિક્રિયા માટે તૈયાર સ્થિતિમાં મૂકવામાં આવ્યા હોવાનું કહેવાય છે. અહેવાલમાં જણાવાયું છે કે આ 12 વોરહેડ્સને ભૂગર્ભ મિસાઈલ સાયલો અને પરમાણુ સબમરીન પર તૈનાત કરવામાં આવ્યા છે.

ભારત લાંબા સમયથી “નો ફર્સ્ટ યુઝ” (પ્રથમ પરમાણુ હુમલો નહીં) નીતિનું પાલન કરે છે. એટલે કે ભારત માત્ર પ્રતિહુમલા તરીકે જ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની વાત કરે છે. આવા સંજોગોમાં કેટલીક પરમાણુ ક્ષમતાઓને સક્રિય તૈનાતી સ્થિતિમાં મૂકવાનો નિર્ણય વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.આ સાથેજ અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ભારતના કુલ પરમાણુ શસ્ત્ર ભંડારમાં પણ વધારો થયો છે. SIPRIના અંદાજ મુજબ હાલમાં ભારત પાસે લગભગ 190 પરમાણુ વોરહેડ્સ છે, જ્યારે અગાઉ આ સંખ્યા લગભગ 180 હતી. આ વૃદ્ધિ ભારતની લાંબા ગાળાની સુરક્ષા વ્યૂહરચના અને આધુનિકીકરણ કાર્યક્રમનો ભાગ હોવાનું માનવામાં આવે છે.

વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો અમેરિકા અને રશિયા હજુ પણ સૌથી મોટા પરમાણુ ભંડાર ધરાવતા દેશો છે. SIPRIના આંકડા મુજબ અમેરિકાની 1,700થી વધુ અને રશિયાની 1,790થી વધુ પરમાણુ હથિયારો સક્રિય તૈનાતી સ્થિતિમાં છે. જો કે તેની સરખામણીએ ભારતની સંખ્યા ખૂબ ઓછી છે, પરંતુ પ્રથમ વખત સક્રિય તૈનાતીનો દાવો વ્યૂહાત્મક રીતે મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

રક્ષા અને સુરક્ષા વિશ્લેષકોના મતે ભારતની વધતી સમુદ્રી પરમાણુ ક્ષમતા, નવી પેઢીની મિસાઈલ સિસ્ટમો અને પરમાણુ સબમરીનો દેશની પ્રતિરક્ષા ક્ષમતાને વધુ મજબૂત બનાવી રહી છે. ખાસ કરીને ‘સેકન્ડ સ્ટ્રાઈક કેપેબિલિટી’ને વિશ્વસનીય બનાવવા માટે આવા પગલાં મહત્વપૂર્ણ ગણાય છે.

હાલ SIPRIના અહેવાલમાં આ દાવો પણ કરવામાં આવ્યો છે, ભારત સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન કે પુષ્ટિ જાહેર કરવામાં આવી નથી. તેમ છતાં આ અહેવાલે આંતરરાષ્ટ્રીય સુરક્ષા વર્તુળોમાં ચર્ચા જગાવી છે અને દક્ષિણ એશિયાની વ્યૂહાત્મક સ્થિતિ પર તેની અસર અંગે ચર્ચાઓ તેજ બની છે.

Most Popular

To Top