સરકારી બિલ્ડિંગમાં જ સુરક્ષાના નિયમોનો ભંગ!
હેલ્મેટ-સેફ્ટી બેલ્ટ વગર 3થી 4 માળની ઊંચાઈએ મજૂરો કામે, દુર્ઘટનાનો ભય
કાયદાનું રક્ષણ કરનાર મથકના બાંધકામમાં જ નિયમોના ધજાગરા, જવાબદાર તંત્ર સામે ઉઠ્યા સવાલો
(પ્રતિનિધિ) વડોદરા, તા. 9
કાયદાનું રક્ષણ કરનાર પોલીસ મથકના નિર્માણમાં જ સલામતીના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. શહેરના જુનીગઢી વિસ્તારમાં નિર્માણાધીન સાયબર પોલીસ મથકના બાંધકામ દરમિયાન મજૂરો કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વગર જીવના જોખમે કામ કરતા હોવાના ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે.
સ્થળ પર મજૂરો ત્રણથી ચાર માળની ઊંચાઈએ કામ કરી રહ્યા છે, પરંતુ તેમના માથે હેલ્મેટ નથી, કમરે સેફ્ટી બેલ્ટ નથી અને હાથમાં જરૂરી સુરક્ષા સાધનો પણ નથી. મજૂરો સિમેન્ટની થેલીઓ અને લોખંડના સળિયા લઈને જોખમી પાટલીઓ પર અવરજવર કરી રહ્યા છે. નીચે સેફ્ટી નેટ કે અન્ય કોઈ સુરક્ષા વ્યવસ્થા પણ જોવા મળતી નથી. આવી સ્થિતિમાં કોઈ મજૂરનો પગ લપસે તો જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે.
નિયમો મુજબ દરેક બાંધકામ સાઇટ પર મજૂરોને હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ, ગ્લોવ્ઝ અને અન્ય સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવવું ફરજિયાત છે. છતાં અહીં કોન્ટ્રાક્ટર દ્વારા ખર્ચ બચાવવા મજૂરોના જીવ સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રોજીરોટી માટે ગરીબ મજૂરો જોખમ વચ્ચે કામ કરવા મજબૂર બન્યા છે.
સરકારી બિલ્ડિંગનું નિર્માણ હોવા છતાં સંબંધિત વિભાગની દેખરેખનો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. લેબર વિભાગના અધિકારીઓ કે સાઇટ એન્જિનિયરો દ્વારા પણ સુરક્ષા નિયમોના પાલન અંગે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો સવાલ ઉઠી રહ્યો છે.
સ્થાનિક આગેવાનો અને જાગૃત નાગરિકોએ માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક સાઇટની તપાસ કરી કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરે તેમજ તમામ મજૂરોને જરૂરી સેફ્ટી સાધનો પૂરા પાડે. નહીં તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે.