પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ માર્ગે જતાં ભારતીય શ્રદ્ધાળુઓ માટે નવા નિયમોને લઈને ચિંતા વધી છે. ચીન સરકાર દ્વારા અમલમાં મુકાયેલા નવા નિયમ મુજબ હવે યાત્રાળુઓએ યાત્રા દરમિયાન માત્ર ‘કોમન કિચન’માં જ ભોજન લેવું પડશે. આ નિર્ણયને લઈને શ્રદ્ધાળુઓ અને ટ્રાવેલ્સ ઓપરેટરોમાં નારાજગી જોવા મળી રહી છે. મામલો વડાપ્રધાન કાર્યાલય (PMO) સુધી પહોંચ્યો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. દર વર્ષે ગુજરાતમાંથી અંદાજે 3થી 4 હજાર શ્રદ્ધાળુઓ કૈલાશ માનસરોવર યાત્રા માટે જાય છે. હાલ કાઠમંડુથી શરૂ થતી યાત્રાનું પેકેજ આશરે રૂ. 2.40 લાખ સુધી પહોંચે છે. હવે નવા નિયમો બાદ યાત્રાળુઓ પર વધારાનો આર્થિક બોજ પણ આવવાનો છે. ટ્રાવેલ્સ એજન્ટોના જણાવ્યા મુજબ અત્યાર સુધી યાત્રાળુઓની જરૂરિયાત અને ધાર્મિક માન્યતાઓ અનુસાર ભોજનની અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવતી હતી. જૈન, સ્વામિનારાયણ સહિત વિવિધ સંપ્રદાયોના અનુયાયીઓ માટે વિશેષ ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું. ઉપરાંત કેટલાક યાત્રાળુઓને આરોગ્ય સંબંધિત ખાસ આહારની જરૂરિયાત પણ હોય છે.
નવા નિયમ હેઠળ તમામ યાત્રાળુઓને એક જ કેન્દ્રીય રસોડામાં તૈયાર થતું ભોજન લેવું પડશે. જેના કારણે વ્યક્તિગત પસંદગી, ધાર્મિક આહાર પદ્ધતિ અને આરોગ્યની જરૂરિયાતોને અનુરૂપ વ્યવસ્થા કરવી મુશ્કેલ બનશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. યાત્રાળુઓનું કહેવું છે કે કોમન કિચનમાં મોટી સંખ્યામાં લોકોને એકસાથે ભોજન પીરસવાનું હોવાથી સમયસર અને ગરમ ભોજન મળવામાં મુશ્કેલી પડી શકે છે. કઠિન હવામાન અને લાંબી મુસાફરી દરમિયાન ભોજનમાં વિલંબ થવાથી યાત્રાળુઓને ભારે અગવડતા ઊભી થઈ શકે છે. આ ઉપરાંત નવા નિયમ સાથે પ્રતિ યાત્રાળુ આશરે રૂ. 25,000 સુધીનો વધારાનો ચાર્જ વસૂલવાની પણ જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે. યાત્રાળુઓ અને પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે આ વધારાનો ખર્ચ સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ભારે સાબિત થઈ શકે છે. ટ્રાવેલ્સ ઓપરેટરોનું કહેવું છે કે વૈશ્વિક સ્તરે વધતા પરિવહન ખર્ચ અને અન્ય ખર્ચાઓને કારણે યાત્રા પહેલેથી જ મોંઘી બની ગઈ છે. આવા સમયે વધારાના ચાર્જ અને કોમન કિચન જેવી ફરજિયાત વ્યવસ્થાઓ યાત્રાળુઓ માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. શ્રદ્ધાળુઓ અને ટ્રાવેલ્સ એજન્ટોએ આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. સાથે જ કેન્દ્ર સરકાર આ મુદ્દે દરમિયાનગીરી કરીને યાત્રાળુઓના હિતમાં યોગ્ય ઉકેલ લાવે તેવી પણ માંગ ઉઠી રહી છે.