SURAT

ટ્રેન, ફ્લાઇટ અને રોડ માર્ગે સુરત પહોંચ્યા 84 બાંગ્લાદેશી; નકલી દસ્તાવેજોના રેકેટનો પર્દાફાશ

સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે સુરત પોલીસે અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધરીને 84 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ, SOG અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમોએ રાત્રે 11 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ ઓપરેશન ચલાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ 261 શંકાસ્પદ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા, જેમાંથી તપાસ બાદ 84 લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવ્યું છે.

પકડાયેલા 84 લોકોમાં 34 પુરુષો, 29 મહિલાઓ અને 21 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના 160 લોકોના દસ્તાવેજો અને ઓળખની ચકાસણી હજુ પણ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર ભેસ્તાન, ઉધના, પાંડેસરા, પુણા, રાંદેર, અમરોલી, સચિન, અઠવા, કોસાડ અને ચોકબજાર જેવા વિસ્તારોમાં આ વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અગાઉ પણ આ વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા હોવાથી પોલીસની ખાસ નજર અહીં હતી. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ લોકો પશ્ચિમ બંગાળની સરહદ મારફતે ભારતમાં પ્રવેશતા હતા. સરહદ પાર કર્યા બાદ એજન્ટો દ્વારા તેમના માટે નકલી આધાર કાર્ડ, રેશન કાર્ડ અને અન્ય ઓળખ દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા હતા. ત્યારબાદ તેમને અલગ-અલગ ટુકડીઓમાં વહેંચીને ટ્રેન, રોડ અને કેટલાક કિસ્સામાં ફ્લાઇટ મારફતે સુરત સહિતના ઔદ્યોગિક શહેરોમાં મોકલવામાં આવતા હતા.

પોલીસને આશંકા છે કે આ સમગ્ર નેટવર્ક પાછળ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત એક સંગઠિત ગેંગ કામ કરી રહી છે. આ ગેંગ માત્ર ગેરકાયદેસર ઘૂસણખોરી જ નહીં, પરંતુ નકલી દસ્તાવેજો તૈયાર કરાવવા, રોજગારી અપાવવા અને નાણાકીય વ્યવહારો સંચાલિત કરવામાં પણ સંડોવાયેલી હોઈ શકે છે. તપાસ દરમિયાન પોલીસને કેટલીક મહિલાઓના કેસમાં હ્યુમન ટ્રાફિકિંગની સંભાવના પણ દેખાઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કેટલીક મહિલાઓને સસ્તી મજૂરી અથવા અન્ય લાલચ આપીને ભારતમાં લાવવામાં આવી હોવાની આશંકા છે. આ દિશામાં પણ અલગથી તપાસ શરૂ કરવામાં આવી છે. પકડાયેલા લોકો પાસેથી મળેલા આધાર કાર્ડ અને અન્ય ઓળખપત્રોની સત્તાવાર ડેટાબેઝ સાથે ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમના મોબાઈલ ફોન, કોલ ડિટેઇલ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ ચાલી રહી છે. પોલીસ NAFIS (નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઈડેન્ટિફિકેશન સિસ્ટમ)ની મદદથી ફિંગરપ્રિન્ટ ચેક કરી રહી છે જેથી જાણવા મળી શકે કે આ લોકો અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા હતા કે નહીં.

તપાસમાં વધુ એક મહત્વપૂર્ણ ખુલાસો એ થયો છે કે પકડાયેલા ઘણા લોકો બાંગ્લાદેશની લોકપ્રિય મોબાઈલ બેંકિંગ સેવા ‘bKash’ મારફતે નાણાકીય વ્યવહારો કરતા હતા. પોલીસ હવે તેમના બેંક ખાતા, પૈસાની લેવડદેવડ અને બાંગ્લાદેશ સાથેના આર્થિક સંબંધોની તપાસ કરી રહી છે. આ તપાસ દરમિયાન હવાલા નેટવર્ક અથવા અન્ય ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોનો પણ પર્દાફાશ થઈ શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર મોટાભાગના લોકો શ્રમિક તરીકે સુરતમાં કામ કરતા હતા. તેમને સ્થાનિક એજન્ટો અને કોન્ટ્રાક્ટરો દ્વારા કામ અપાવવામાં આવ્યું હોવાની માહિતી મળી છે. હવે આવા કોન્ટ્રાક્ટરો અને એજન્ટોની ભૂમિકા પણ તપાસ હેઠળ છે. જો તેઓ ગેરકાયદેસર રીતે વિદેશી નાગરિકોને કામ પર રાખવામાં સંડોવાયેલા હોવાનું સાબિત થશે તો તેમની સામે પણ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

હાલમાં સ્પેશિયલ બ્રાન્ચ, લોકલ પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સંયુક્ત પૂછપરછ કરી રહી છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી એક અઠવાડિયામાં તમામ કન્ફર્મ થયેલા બાંગ્લાદેશી નાગરિકોને તેમના દેશમાં ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરત પોલીસનું કહેવું છે કે શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે આવનારા દિવસોમાં પણ આવી વિશેષ ડ્રાઈવ ચાલુ રહેશે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરની સુરક્ષા મજબૂત બનાવવાનો અને ગેરકાયદેસર નેટવર્કને મૂળમાંથી નાબૂદ કરવાનો છે.

Most Popular

To Top