Vadodara

વડોદરામાં ‘કાળમુખી’ લક્ઝરી બસે મહિલાનો ભોગ લીધો, તરસાલી બાયપાસ પાસે ગમખ્વાર અકસ્માત,

ગભરામણ થતાં એક્ટિવા થોભાવી રોડ સાઈડ ઉભેલા જાગૃતિબેન પંડ્યાને લક્ઝરી બસે કચડ્યા, અકસ્માત બાદ ચાલક ફરાર

તંત્રની ઘોર બેદરકારી, દોઢ કલાક સુધી એમ્બ્યુલન્સ ન પહોંચતા મૃતદેહ રસ્તા પર પડી રહ્યો

(પ્રતિનિધિ), વડોદરા. તા.4

વડોદરામાં બેફામ દોડતા ભારે વાહનો જાણે યમદૂત બન્યા હોય તેમ અકસ્માતોનો ગ્રાફ સતત ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે શહેરના તરસાલી બાયપાસથી જાંબુવા બ્રિજ તરફ જતા માર્ગ પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે રોડની સાઈડમાં ઉભેલા આધેડ મહિલાને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે અરેરાટી સાથે તંત્ર સામે પ્રચંડ રોષ ફાટી નીકળ્યો હતો.

તરસાલી વિસ્તારમાં આવેલી હરી દર્શન સોસાયટીમાં રહેતા જાગૃતિબેન અનિલભાઈ પંડ્યા તેમના પુત્ર સાથે એક્ટિવા પર જઈ રહ્યા હતા. રાત્રિના આશરે 11:30 થી 12:00 વાગ્યાની આસપાસ બાલાજી પેટ્રોલ પંપ નજીકથી પસાર થતી વખતે જાગૃતિબેનને અચાનક ગભરામણ થવા લાગી હતી. જેથી તેમના પુત્રએ સાવચેતીના ભાગરૂપે એક્ટિવાને રોડની એકદમ સાઈડમાં ઊભી રાખી હતી. જાગૃતિબેન એક્ટિવા પરથી ઉતરીને હજુ તો રોડની સાઈડમાં ઉભા જ રહ્યા હતા, ત્યાં જ જાણે કાળ ત્રાટક્યો હોય તેમ પાછળથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે જાગૃતિબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને બસ ચાલક અંધારાનો લાભ ઉઠાવી વાહન સાથે ત્યાંથી નાસી છૂટ્યો હતો.

આ ભયાનક અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ‘જનરક્ષક 112’ની ટીમ તેમજ કપૂરાઈ પોલીસ સ્ટેશનનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. જો કે, આ ગંભીર ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ સેવા કલાકો સુધી ન પહોંચતા વહીવટી તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી.

દોઢ કલાક સુધી માતાનો મૃતદેહ રસ્તા પર જ પડી રહ્યો. મૃતક મહિલાના સ્વજનોએ આરોપ લગાવ્યો હતો કે વારંવાર ફોન કરવા છતાં દોઢ કલાક સુધી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ન હતી. એક તરફ વ્હાલસોયી માતાની નજર સામે વિદાય અને બીજી તરફ તંત્રની આવી લાપરવાહી જોઈને પરિવારજનોનો પિત્તો ગયો હતો. ઉશ્કેરાયેલા પરિવારે રસ્તા પર જ ભારે રોષ વ્યક્ત કરી ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેને પગલે વાતાવરણ વધુ તંગ બન્યું હતું. પોલીસે માંડ-માંડ સમજાવટથી મામલો શાંત પાડ્યો હતો.

મોડી પહોંચેલી એમ્બ્યુલન્સ મારફતે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાલમાં કપૂરાઈ પોલીસે અજાણ્યા હિટ એન્ડ રન કરનાર લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, હાઈવે અને પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ મેળવી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top