Shinor

નશાની મહેફિલનો અંત અકસ્માતમાં ! ડસ્ટર કારમાંથી બિયર ટીન અને પત્તાં મળ્યાનો આક્ષેપ

સુરાસામળ-દિવેર માર્ગ પર બે કાર વચ્ચે અથડામણ, સાત યુવકો નશાની હાલતમાં હોવાનો દાવો
શિનોર પંથકમાં દારૂ અને જુગારના વધતા દુષણ સામે ફરી ઉઠ્યા સવાલો, પોલીસ કાર્યવાહી પર સૌની નજર

શિનોર, તા. 31
શિનોર તાલુકાના સુરાસામળ અને દિવેર ગામ વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માત બાદ દારૂ અને જુગારના વધતા દુષણને લઈને ફરી એકવાર ચર્ચા જાગી છે. અકસ્માતમાં સંડોવાયેલી એક કારમાંથી બિયરના ટીન અને પત્તાં મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને પગલે સમગ્ર ઘટનાએ સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વલણ ગામ તરફના સાત યુવકો ડસ્ટર કાર (નંબર GJ-16-BG-0548)માં સુરાસામળથી દિવેર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સુરાસામળના રહેવાસી લવકેશ પટેલ પોતાની કાર (નંબર GJ-06-PG-8634) લઈને દિવેર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન આગળ ચાલી રહેલી ડસ્ટર કાર એકાએક બ્રેક મારતાં પાછળથી આવતી કાર તેની સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બંને વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિકોના આક્ષેપ મુજબ, ડસ્ટર કારમાં સવાર યુવકો નશાની હાલતમાં હતા અને કારમાંથી કિંગફિશર સ્ટ્રોંગ બિયરના ટીન તેમજ 505 બ્રાન્ડના પત્તાં મળી આવ્યા હતા. જેના આધારે તેઓ આ વિસ્તારમાં જુગાર રમવા અને દારૂની મહેફિલ માટે આવ્યા હોવાની ચર્ચા સ્થાનિકોમાં ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બંને વાહનોને શિનોર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં બંને પક્ષો વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા છે.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વિસ્તારમાં જુગારધામો અને દારૂના ગેરકાયદેસર વેપલામાં વધારો થયો છે. તાજેતરમાં માલસર અને માંડવા ગ્રામ પંચાયત દ્વારા પણ નર્મદા નદી વિસ્તારમાં નશાયુક્ત પદાર્થો સાથે આવતા લોકો અંગે મામલતદારને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
હવે સમગ્ર મામલે શિનોર પોલીસ શું કાર્યવાહી કરે છે અને આક્ષેપોની દિશામાં તપાસ હાથ ધરે છે કે નહીં, તેના પર સ્થાનિકોની નજર મંડાયેલી છે.

રિપોર્ટર: અમિત સોની

Most Popular

To Top