Entertainment

દિગ્ગજ ગાયિકા Suman Kalyanpurનું 89 વર્ષની વયે નિધન: સંગીત જગતમાં શોકની લાગણી

ભારતીય ફિલ્મ સંગીત જગત માટે વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પોતાના મધુર અને મખમલી અવાજથી લાખો શ્રોતાઓના દિલ જીતનાર દિગ્ગજ ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે નિધન થયું છે. રવિવારે સાંજે મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર સામે આવતા જ સમગ્ર સંગીત અને ફિલ્મ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.સુમન કલ્યાણપુર છેલ્લા કેટલાક સમયથી વય સંબંધિત તકલીફોથી પીડાઈ રહ્યા હતા. નજીકના પરિવારજનો અને મિત્રોના જણાવ્યા મુજબ તેઓએ મુંબઈના લોકહંડવાલા વિસ્તારમાં આવેલા પોતાના નિવાસસ્થાને શાંતિપૂર્વક અંતિમ શ્વાસ લીધા હતા.

800થી વધુ ગીતોને આપ્યો હતો અવાજ
સુમન કલ્યાણપુરે પોતાના લાંબા સંગીત કારકિર્દીમાં 700થી 800થી વધુ ફિલ્મી અને બિનફિલ્મી ગીતો ગાયા હતા. હિન્દી ઉપરાંત તેમણે ગુજરાતી, મરાઠી, બંગાળી, કન્નડ, આસામી, પંજાબી, ભોજપુરી અને અન્ય અનેક ભાષાઓમાં પણ ગીતો ગાઈ પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી.તેમની ગાયકીનો સુવર્ણકાળ 1960 અને 1970ના દાયકામાં રહ્યો હતો, જ્યારે તેમના અવાજે અનેક સુપરહિટ ફિલ્મી ગીતોને અમર બનાવી દીધા હતા.

આ ગીતો આજે પણ લોકોના હોઠે
સુમન કલ્યાણપુરે અનેક યાદગાર ગીતોને અવાજ આપ્યો હતો. તેમના કેટલાક લોકપ્રિય ગીતોમાં:
“ના ના કરતા પ્યાર તુમ્હીં સે”
“આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે”
“તુમને પુકારા ઔર હમ ચાલે આયે”
“મેરે મહબૂબ ના જા”
“બુઝા દિયે હૈં ખુદ અપને હાથોં”
“દિલ એક મંદિર”નું ટાઇટલ સોંગ,જેવા ગીતોનો સમાવેશ થાય છે. ગીતો આજે પણ સંગીતપ્રેમીઓમાં અત્યંત લોકપ્રિય છે.

લતા મંગેશકર સાથે થતી હતી સરખામણી
સુમન કલ્યાણપુરના અવાજની સરખામણી ઘણી વખત સ્વરકોકિલા Lata Mangeshkar સાથે કરવામાં આવતી હતી. તેમના અવાજમાં એટલી સમાનતા હતી કે ઘણા શ્રોતાઓ ઘણી વખત બંનેના ગીતોમાં ભેદ પણ કરી શકતા નહોતા. તેમ છતાં સુમન કલ્યાણપુરે પોતાની આગવી ઓળખ બનાવી હતી અને સંગીત ક્ષેત્રે વિશિષ્ટ સ્થાન મેળવ્યું હતું.

મોહમ્મદ રફી સાથે આપ્યા અનેક સુપરહિટ ડ્યુએટ
સુમન કલ્યાણપુરે દિગ્ગજ ગાયક Mohammed Rafi સાથે અનેક સુપરહિટ ડ્યુએટ ગીતો ગાયા હતા. બંનેની જોડીને બોલિવૂડના સૌથી લોકપ્રિય સંગીત જોડીઓમાંની એક માનવામાં આવે છે. “આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે”, “ના ના કરતા પ્યાર”, “તુમને પુકારા ઔર હમ ચાલે આયે” સહિતના અનેક ગીતો આજે પણ ક્લાસિક તરીકે ઓળખાય છે.

બાંગ્લાદેશમાં થયો હતો જન્મ
સુમન કલ્યાણપુરનો જન્મ 28 જાન્યુઆરી 1937ના રોજ તત્કાલીન બ્રિટિશ ભારતના ઢાકા (હાલ બાંગ્લાદેશ)માં થયો હતો. બાળપણ બાદ તેમનો પરિવાર મુંબઈમાં સ્થાયી થયો હતો, જ્યાંથી તેમણે સંગીતની તાલીમ મેળવી અને ફિલ્મી ગાયકીમાં પ્રવેશ કર્યો હતો.

પદ્મભૂષણ સહિત અનેક સન્માન
સંગીત ક્ષેત્રે તેમના અસાધારણ યોગદાન બદલ તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. ભારત સરકારે વર્ષ 2023માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા પણ તેમને અનેક એવોર્ડ મળ્યા હતા.

સંગીત જગતમાં શોકની લાગણી
સુમન કલ્યાણપુરના નિધન બાદ ફિલ્મ, સંગીત અને રાજકીય ક્ષેત્રની અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. તેમના અવસાનને ભારતીય સંગીત જગત માટે એક મોટી ખોટ ગણાવવામાં આવી રહી છે. સંગીતપ્રેમીઓ સોશિયલ મીડિયા પર તેમના અમર ગીતોને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

એક યુગનો અંત
સુમન કલ્યાણપુર માત્ર ગાયિકા નહોતા, પરંતુ ભારતીય ફિલ્મ સંગીતના સુવર્ણ યુગની જીવંત ઓળખ હતા. તેમના અવાજે અનેક પેઢીઓને પ્રેમ, લાગણી અને સંગીતનો અનોખો અનુભવ કરાવ્યો હતો. તેમના નિધન સાથે ભારતીય સંગીત જગતે એક એવી અમૂલ્ય ધરોવર ગુમાવી છે, જેના ગીતો આવનારી અનેક પેઢીઓ સુધી જીવંત રહેશે.

Most Popular

To Top