Waghodia

‘પદાધિકારીઓ નહીં, પરિવારજનો ચલાવે છે પંચાયતનો વહીવટ’, જરોદ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં હોબાળો

ઠરાવો અને હિસાબની માંગણી વચ્ચે વોકઆઉટ, આક્ષેપોથી વાતાવરણ ગરમાયું

ચોમાસા પૂર્વે વિકાસના કામો મુદ્દે ચર્ચા પહેલાં જ સભા વિખવાદમાં ફેરવાઈ

(પ્રતિનિધિ) વાઘોડિયા
જરોદ ગ્રામ પંચાયત ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. સામાન્ય સભા દરમિયાન પંચાયતના બે સભ્યોએ અગાઉ થયેલા ઠરાવો, ખર્ચના હિસાબો અને વહીવટી પારદર્શિતા અંગે પ્રશ્નો ઉઠાવતા સભામાં ભારે હોબાળો મચ્યો હતો. વિવાદ એટલો ઉગ્ર બન્યો કે સરપંચ સહિત કેટલાક સભ્યોએ વોકઆઉટ કરવાની ફરજ પડી હતી.

સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓના બદલે તેમના પરિવારજનો અને હોદ્દા પર ન હોય તેવી વ્યક્તિઓ પંચાયતના વહીવટમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે. આ અંગે અગાઉ પણ તાલુકા અને ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. કેટલાક સભ્યોએ તો પંચાયત કચેરીમાં સત્તાની ખુરશી પર બેસીને વહીવટ કરતા વ્યક્તિઓના પુરાવા અધિકારીઓને સોંપ્યાનો પણ દાવો કર્યો હતો.

સભામાં ગામના રોડ-રસ્તા, નાળા, તળાવ અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો અંગે ચર્ચા થવાની હતી. સભ્યોનું કહેવું હતું કે ચોમાસા પૂર્વે વિકાસના કામો પૂર્ણ કરવાનું જરૂરી છે, પરંતુ મૂળ પ્રશ્નો પર ચર્ચા થાય તે પહેલાં જ વિવાદ સર્જાયો હતો.
સરપંચ મનિષાબેન સોલંકીએ જણાવ્યું હતું કે બે સભ્યો દ્વારા ઉગ્ર રજૂઆતો અને હોબાળાને કારણે મહિલા સભ્યો અસ્વસ્થ બની ગયા હતા, જેથી વોકઆઉટ કરવાનો નિર્ણય લેવાયો હતો. બીજી તરફ સભ્ય મોહનિષભાઈએ જણાવ્યું હતું કે ચૂંટાયેલી મહિલા સરપંચ દ્વારા જ વહીવટ થવો જોઈએ અને પરિવારજનોના હસ્તક્ષેપ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.
ગ્રામ પંચાયતના વહીવટને લઈને ઊભા થયેલા આ વિવાદે સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે.

રિપોર્ટર: બજરંગ શર્મા

Most Popular

To Top