સમગ્ર વિશ્વમાં “ચા” ના મહત્વને માન આપવા માટે તથા ટી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લાખો મજૂરો , ખેડૂતો અને વેપારીઓના યોગદાનને સન્માન આપવા માટે દર વર્ષે સમગ્ર દુનિયામાં 21 મે ના દિવસને ચા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 21 મી સદીમાં હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બનતા અને લાઈફ સ્ટાઈલ બદલાતા ગ્રીન ટી અને હર્બલ ટી તરફનું આકર્ષણ પણ વધતું જાય છે. દરેક સવારની શરૂઆત શ્રેષ્ઠ કડક મીઠી ચા થી જ અસંખ્ય લોકો કરે છે. કેટલાક ચા પ્રેમીઓ કટીંગ ચા ના પણ દિવાના હોય છે.
ચા પીનારા માટે ચા એ જીવનનું અમૃત છે. ઘરે આવેલા મહેમાનોને ચા પીવડાવીને જ મોકલવાની આપણી ભારતીય સંસ્કૃતિ પણ છે. ઓફિસમાં કોઈ મળવા આવે ત્યારે કે પછી કર્મચારીઓ ચા ની ચુસકી લેતા લેતા સંબંધોની ઉષ્મા પણ વધારે છે. એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે ચા એ ભારતીય જીવનશૈલીનું અભિન્ન અંગ છે. સમય બદલાય છે , લોકો પણ બદલાય છે પરંતુ ચા પ્રત્યેનો પ્રેમ ક્યારેય બદલાતો નથી. એક પ્યાલી ચા એ ફક્ત પીણું નથી પરંતુ લાગણીઓની મીઠી મુલાકાત છે. ચાય પે ચર્ચાની વાતો પણ થતી રહે છે. પાણી પછી કદાચ એ વિશ્વમાં સૌથી વધુ પીવાતું પીણું હોય તો એ ચા છે. લારી પર ચા ની લિજ્જત માણવાની મજા જુદી જ હોય છે.
ચા ના રસિકો ચા પીવાનું બહાનું શોધતા જ રહે છે. ચા પીવાના ફાયદા અને ગેરફાયદા ની ચર્ચા પણ પરસ્પર થતી રહે છે. ચા પીવાના ચોક્કસ કેટલાક લાભો જરૂર છે પરંતુ જરૂરત કરતા વધારે ચા પીવી આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચા ના રસિયાઓ જણાવે છે તે મુજબ ચા દિવસ ફક્ત એક જ દિવસ થોડો ઉજવવાનો હોય ? વર્ષના 365 દિવસ ચા ના પર્વને ઉજવવા જોઈએ. કડક અને મસાલેદાર ચા ના શોખીનો લોંગ ડ્રાઈવ પર મિત્રો સાથે જઈને ચા પીવાનું પણ પસંદ કરતા હોય છે. ચા એ ફક્ત પીણું નથી પરંતુ લાગણીની હૂંફાળી ધારા છે.
નવસારી -ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.