India

નવીન પટનાયકને મોટો ઝટકો! નજીકના નેતા દેવાશિષ સામંતરાયે BJD છોડ્યું, હવે BJPમાં જોડાવાની અટકળો તેજ

ઓડિશાની રાજનીતિમાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. નવીન પટનાયકના નજીકના ગણાતા અને રાજ્યસભાના સાંસદ દેવાશિષ સામંતરાયએ બીજુ જનતા દળ (BJD)માંથી રાજીનામું આપી દીધું છે.તેમના આ નિર્ણય બાદ હવે તેઓ ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાશે તેવી અટકળો તેજ બની ગઈ છે.

માહિતી મુજબ, છેલ્લા કેટલાક મહિનાઓથી દેવાશિષ સામંતરાય BJDની અંદર ચાલી રહેલી રાજકીય પરિસ્થિતિથી અસંતુષ્ટ હતા. પાર્ટીમાં તેમની અવગણના થઈ રહી હોવાનો અહેસાસ થતા તેમણે આખરે BJD છોડવાનો નિર્ણય લીધો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.દેવાશિષ સામંતરાયે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું હતું કે, “હવે પાર્ટીને મારી જરૂર નથી. આ એક જ વાક્યે ઓડિશાની રાજનીતિમાં ભારે ચર્ચા જગાવી દીધી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે BJDમાં ચાલી રહેલા આંતરિક મતભેદો હવે ખુલ્લા પડી રહ્યા છે.

દેવાશિષ સામંતરાય હાલમાં રાજ્યસભામાં ઓડિશાનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ લાંબા સમયથી BJD સાથે જોડાયેલા રહ્યા છે અને નવીન પટનાયકના વિશ્વાસુ નેતાઓમાં તેમની ગણના થતી હતી. તેઓ અગાઉ ઓડિશા વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે અને કટક તેમજ તીર્તોલ વિસ્તારની રાજનીતિમાં તેમનો પ્રભાવ માનવામાં આવે છે. રાજકીય ચર્ચાઓ અનુસાર, દેવાશિષ સામંતરાય હવે BJPમાં જોડાઈ શકે છે. જો તેઓ ભાજપમાં જોડાય છે તો BJD માટે આ મોટો રાજકીય ઝટકો માનવામાં આવશે. ખાસ કરીને છેલ્લા કેટલાક સમયમાં BJDમાંથી અનેક નેતાઓના ભાજપ તરફ જતા રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે.

આ સમગ્ર ઘટનાએ ઓડિશાની રાજનીતિમાં નવી ગરમાવો લાવી છે. અગાઉ પણ BJDના કેટલાક રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં દેવાશિષ સામંતરાયનું રાજીનામું BJD માટે ચિંતાનો વિષય બની શકે છે.
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે 2026ની લોકસભા અને આગામી રાજ્ય રાજકારણને ધ્યાનમાં રાખીને ભાજપ ઓડિશામાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા પ્રયત્ન કરી રહી છે. બીજી તરફ BJD માટે પોતાના નેતાઓને એકજૂથ રાખવો મોટો પડકાર બની રહ્યો છે.

હાલ સુધી દેવાશિષ સામંતરાય અથવા BJP તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ઓડિશાની રાજનીતિમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે આગામી દિવસોમાં ઓડિશાના રાજકારણમાં વધુ મોટા ફેરફારો જોવા મળી શકે છે.

Most Popular

To Top