અમદાવાદ,તા.22
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) અને એરપોર્ટ કસ્ટમ્સ વિભાગે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સની દાણચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. થાઈ એરલાઇન્સની ફ્લાઈટમાં બેંગકોકથી અમદાવાદ આવેલા એક પ્રવાસીની ટ્રોલી બેગમાંથી 20.366 કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો છે. આ જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે ₹20 કરોડ 30 લાખ થવા જાય છે. એજન્સીઓએ આરોપી પેસેન્જરની એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
પહેલી જ વિદેશ યાત્રામાં પકડાયો ‘કેરિયર’
પકડાયેલા પ્રવાસીની ની ઓળખ અંગત શ્રીવાસ્તવ તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશના સહરાનપુરનો રહેવાસી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મુંબઈ/દિલ્હી થઈને બેંગકોક ગયો હતો અને આ તેની જિંદગીની પહેલી જ ફોરેન ટ્રીપ હતી. પ્રથમ પ્રવાસમાં જ તે મોટી માત્રામાં ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાઈ ગયો છે.
વૅક્યૂમ પેકિંગમાં છુપાવ્યો હતો જથ્થો
આરોપી જ્યારે દિલ્હીથી બેંગકોક ગયો ત્યારે જ તેની ટ્રાવેલ હિસ્ટ્રી કસ્ટમ્સ વિભાગની નજરમાં આવી ગઈ હતી. આ દરમિયાન ડીઆરઆઈને પણ ચોક્કસ બાતમી મળી હતી કે એક પેસેન્જર ટ્રોલી બેગ ભરીને મોટી માત્રામાં ગાંજો લઈને આવી રહ્યો છે. બાતમીના આધારે મોડી રાત્રે એરપોર્ટ પર વોચ ગોઠવીને પેસેન્જરને અટકાવવામાં આવ્યો હતો. તેની ટ્રોલી બેગની તપાસ કરતા તેમાંથી 30થી વધુ વૅક્યૂમ પેકિંગ કરેલા શંકાસ્પદ પેકેટ્સ મળી આવ્યા હતા. એફએસએલ (FSL) ની મદદથી તપાસ કરાવતા આ જથ્થો ઉચ્ચ ગુણવત્તાવાળો ‘હાઇબ્રીડ ગાંજો’ હોવાનું સ્પષ્ટ થયું હતું.
સધન પૂછપરછ : એજન્સીના અધિકારીઓએ ડ્રગ્સના જથ્થા અંગે પેસેન્જર અંગત શ્રીવાસ્તવની કડક પૂછપરછ કરી હતી, પરંતુ તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આ ડ્રગ્સ કોને ડિલિવર કરવાનું હતું તે અંગે ડીઆરઆઈના અધિકારીઓ હાલ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહ્યા છે.
અમદાવાદ એરપોર્ટ પર અન્ય રાજ્યોના કેરિયરો સક્રિય
એરપોર્ટ કસ્ટમ્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પ્રદેશ અને કેરળના કેરિયરો (ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ) અમદાવાદ એરપોર્ટ પર સક્રિય બન્યા છે. સામાન્ય રીતે આ કેરિયરો પકડાઈ જવાના ડરથી 5 થી 8 કિલોગ્રામ જેટલો જથ્થો લાવતા હોય છે, પરંતુ અંગત શ્રીવાસ્તવ તેની પહેલી જ ટ્રિપમાં આખી ટ્રોલી બેગ ભરીને 20 કિલોથી વધુનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જે DRI અને કસ્ટમ્સની સતર્કતાના કારણે નિષ્ફળ રહ્યો છે.