ઇરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું અને તેના પછી જે સંજોગો ઊભા થયા તેને કારણે દુનિયાભરના દેશોનાં અર્થતંત્રોને અસર થઇ છે. ખનિજ તેલ, ગેસ અને ખાતર વગેરેના મોટા આયાતકાર એવા ભારત દેશના અર્થતંત્રને પણ સ્વાભાવિક રીતે જ વ્યાપક અસર થાય. ભારત માટે આયાત મોંઘી થતાં અને વિદેશી હુંડિયામણ અનામત ભંડોળમાં ઘટાડો થવા માંડતાં અનેક પગલાંઓ ભરવા માંડ્યાં છે. ખાસ કરીને સોના-ચાંદીની આયાત પર નિયંત્રણો મૂકીને વિદેશી હુંડિયામણને બહાર ખેંચાઇ જતું અટકાવવાનો સરકારે પ્રયાસ કર્યો છે.
પહેલાં તો સરકારે સોના અને ચાંદીની આયાત ડ્યુટીમાં વધારો કર્યો અને કિંમતી ધાતુઓ પર આયાત ડ્યુટીમાં નોંધપાત્ર વધારો કર્યાના એક દિવસ બાદ, સરકારે એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત પર 100 કિલોગ્રામની મર્યાદા લાદી છે, જે યોજના જ્વેલરી નિકાસકારોને શૂન્ય ડ્યુટી પર કાચો માલ અથવા ઇનપુટ સામગ્રી આયાત કરવાની મંજૂરી આપે છે.
સરકારે સોનાની આયાત માટે એડવાન્સ ઓથોરાઈઝેશન આપવા અને તેના પર દેખરેખ રાખવાની શરતો કડક બનાવી છે. અગાઉ, આ યોજના હેઠળ સોનાની આયાત પર કોઈ મર્યાદા નહોતી. એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ એવા ઇનપુટ્સની ડ્યુટી-ફ્રી આયાતની મંજૂરી આપે છે જે નિકાસ ઉત્પાદનમાં સમાવિષ્ટ હોય છે. કોઈ પણ ઇનપુટ્સ ઉપરાંત, પેકેજિંગ મટિરિયલ, બળતણ, તેલ અને ઉદ્દીપક કે જે નિકાસ ઉત્પાદનની ઉત્પાદન પ્રક્રિયામાં વપરાય છે અથવા ઉપયોગમાં લેવાય છે, તેને પણ મંજૂરી આપવામાં આવે છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ એક જાહેર નોટિસમાં જણાવ્યું હતું કે, સોનાની આયાત માટે AA (એડવાન્સ ઓથોરાઈઝેશન) મહત્તમ 100 કિલોગ્રામની સ્વીકાર્ય માત્રાને આધીન જારી કરવામાં આવશે. વધુમાં, નિર્દેશાલયના સંબંધિત પ્રાદેશિક સત્તાધિકારી AA જારી કરવા અંગેની વિગતો ધરાવતો માસિક અહેવાલ DGFT ને સબમિટ કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ નિર્ણય મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ યોજનાનો દુરુપયોગ તાત્કાલિક મોટી માત્રામાં આયાત કરવા અને ભાવના તફાવતનો લાભ લેવા માટે કરવામાં આવે તેવી ઉચ્ચ સંભાવના હતી.
તેઓએ જણાવ્યું હતું કે, AA સ્કીમના દુરુપયોગની કોઈ પણ શક્યતાને રોકવા માટે આ સૂચનાઓ જારી કરવામાં આવી રહી છે. સરકારે બુધવારે પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે વધતા આયાત બિલને કારણે ખરીદીને નિરુત્સાહિત કરવા અને બિન-આવશ્યક આયાતમાં કાપ મૂકવા માટે સોના અને ચાંદી પરની આયાત ડ્યુટી વધારીને 15 ટકા કરી દીધી હતી. 13 મેથી અમલી બનેલા ફેરફાર મુજબ, સોના અને ચાંદી પરની આયાત ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી છે અને પ્લેટિનમ પરની ડ્યુટી 6.4 ટકાથી વધારીને 15.4 ટકા કરવામાં આવી છે.
સોના/ચાંદીના ડોર, સિક્કા વગેરે જેવી અન્ય વસ્તુઓમાં પણ આનુષંગિક ફેરફારો કરવામાં આવ્યા છે. સોના પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી બમણી કરીને 10 ટકા કરવામાં આવી છે, જ્યારે એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) 1 ટકાથી પાંચ ગણો વધારીને 5 ટકા કરવામાં આવ્યો છે. આ સોના અને ચાંદી પરની અસરકારક આયાત ડ્યુટી 15 ટકા પર લાવે છે. તદુપરાંત, આયાતકારોએ 3 ટકા સંકલિત જીએસટી (IGST) ચૂકવવો પડે છે, જે કુલ ડ્યુટીને અગાઉના 9.18 ટકાથી વધારીને 18.45 ટકા કરે છે.
નાણાંકીય વર્ષ 2025-26માં સોના અને ચાંદીની આયાત વાર્ષિક ધોરણે 26.7 ટકા વધીને 102.5 અબજ ડોલર થઈ છે, જેમાં કુલ આયાતમાં તેમનો હિસ્સો 2024-25ના 11.8 ટકાથી વધીને 14 ટકા થયો છે. ડ્યુટીમાં આ વધારો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોનાની ખરીદી પર અંકુશ મૂકવા અને ટાળી શકાય તેવા વિદેશી હૂંડિયામણના ખર્ચને ઘટાડવા માટેના અન્ય કરકસરનાં પગલાં સાથે આપેલા આહવાનના થોડા દિવસોમાં જ આવ્યો છે. ચીન પછી વિશ્વના બીજા સૌથી મોટા સોનાના વપરાશકાર એવા ભારતમાં સોનાની આયાત જ્વેલરી ઉદ્યોગની માંગ દ્વારા સંચાલિત થાય છે. આવી આયાતમાં વિદેશી હૂંડિયામણનો મોટો જથ્થો બહાર જાય છે.
આ ડ્યુટી વધારાની જાહેરાત થઇ તે પહેલાં જ રૂપિયો ૯પની સપાટી તોડી ચૂક્યો હતો. સોનાની આયાત ડ્યુટીની જાહેરાત થયા પછી બુધવારે તેમાં થોડો સુધારો થયો હતો. જો કે ફરીથી રૂપિયો ગગડવા માંડ્યો અને તેણે બાદમાં ૯૬ની સપાટી પણ તોડી નાખી. રૂપિયો ગગડવા પાછળ ક્રુડના ભાવોમાં મોટો વધારો, મજબૂત ડોલર અને વિદેશી રોકાણકારો દ્વારા ખેંચી લેવામાં આવતાં રોકાણોને પણ જવાબદાર માનવામાં આવે છે.
વિદેશ રોકાણકારો ભારતમાંથી પોતાનાં ભંડોળો પાછાં ખેંચી લે તેને કારણે પણ હુંડિયામણનો આઉટફ્લો વધે છે અને રૂપિયો ઓર નબળો થાય છે. રૂપિયો નબળો થતાં ભારતીય આયાતકારોએ ડોલર ખરીદવા વધુ નાણાં ચુકવવા પડે છે. આ એક વિષચક્ર જેવું છે. ભારતની કુલ આયાતોમાં સોના-ચાંદીની આયાત વધીને ૧૪ ટકા જેટલી થઇ છે. તેમની આયાત પર અંકુશ આવશે તો સ્થિતિ થોડી સુધરશે પણ તે અમુક હદે જ મદદરૂપ થઇ શકશે. ભારતે બીજી આયાત ઘટાડવા અને સ્વનિર્ભરતાનાં વધુ પગલાં ભરવાં જરૂરી છે.