અમદાવાદ : ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) પોર્ટલમાં સર્જાયેલી સતત ટેકનિકલ ખામીઓના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) વિદ્યાર્થી કાર્યકરોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં પડી રહેલી મુશ્કેલીઓ અંગે યોગ્ય ઉકેલ ન મળતા મામલો ઉગ્ર બન્યો હતો, અને ઉશ્કેરાયેલા એબીવીપીના કાર્યકરોએ GCAS કચેરી ખાતે તોડફોડ ભારે હોંબાળો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં ઉગ્ર બનેલા એબીવીપીના વિદ્યાર્થીઓ કાર્યકરોએ પોલીસ સાથે પણ માથાકુટ કરી ઘર્ષણ કર્યું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ, GCAS પોર્ટલની ખામીઓના કારણે રાજ્યભરના વિદ્યાર્થીઓને એડમિશન પ્રક્રિયામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે અનેક રજૂઆતો છતાં કોઈ અસરકારક પગલાં ન ભરાતા એબીવીપીએ આક્રમક વલણ અપનાવી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસથી વિશાળ રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે Knowledge Consortium of Gujarat (KCG) અને GCAS કચેરી સુધી પહોંચ્યા હતા.
જ્યાં સુરક્ષા કારણોસર કચેરીનો મુખ્ય દરવાજો બંધ કરી પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. તેમ છતાં એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ કરી સતત માગણી કરી હતી. કે ઉચ્ચ અધિકારીઓને બહાર આવી વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળે.
એબીવીપી કાર્યકરોની આ માગણી અંગે જવાબદાર અધિકારીઓ તરફથી કોઈ જવાબ કે આશ્વાસન ન મળતાં વિદ્યાર્થીઓ આક્રમક બની ઉશ્કેરાયા હતા, અને GCASની કચેરીનો મુખ્ય દરવાજો તોડી કચેરીમાં ધૂસી ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું.
એબીવીપીના કાર્યકરોએ કચેરીમાં ધરણા પર બેસીને ઉગ્ર સૂત્રોચ્ચાર તેમજ રામધૂન કરી વિરોધ કર્યો હતો. આશરે એક કલાક સુધી ચાલેલી આ હોહા- હંગામા વચ્ચે પોલીસે કાર્યકરોને આગળ વધતા અટકાવ્યા હતા.