અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘નેશનલ વર્કશોપ ઓન ગ્રાસરૂટ્સ ઇનોવેશન પાથવે: ફ્રોમ લોકલ રેઝિલિયન્સ ટુ નેશનલ એડવાન્સમેન્ટ્સ’ વર્કશોપનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘએ જણાવ્યું હતુ કે સ્થાનિક સ્તરે થતા પાયાના સંશોધનોને આધુનિક ટેકનોલોજી અને ઉદ્યોગો સાથે જોડવાથી દેશના વિકાસને નવી દિશા મળશે. ટીયર-૨ અને ટીયર-૩ શહેરોમાંથી ઉભરી રહેલા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સની ભૂમિકા મહત્ત્વપૂર્ણ ગણાવી હતી.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ બે દિવસીય વર્કશોપમાં દેશભરમાંથી આશરે ૨૦૦ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. વર્કશોપ દરમિયાન એગ્રીકલ્ચર, વોટર કન્ઝર્વેશન, હેલ્થકેર, રૂરલ લાઈવલીહુડ અને ક્લાઈમેટ રેઝિલિયન્સ જેવા ક્ષેત્રોમાં ગ્રાસરૂટ્સ ઇનોવેશન્સને પ્રોત્સાહન આપવા ચર્ચા-વિચારણા થશે. ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતુ કે દેશમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત કારીગરો અને ખેડૂતો દ્વારા થતા નવતર પ્રયોગોને ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ અને માર્કેટ લિંકેજ આપવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. વર્કશોપમાં ગ્રાસરૂટ્સ ઇનોવેશનના આઈડેન્ટિફિકેશન, ઇન્ક્યુબેશન, આઈપીઆર પ્રોટેક્શન અને સ્કેલિંગ માટે રોડમેપ તૈયાર કરવા વિવિધ સત્રો યોજાશે.