ગુજરાત CID ક્રાઈમના ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે ઉકેલેલા ₹226 કરોડના આંતરરાષ્ટ્રીય “ડર્ટી ક્રિપ્ટો” કૌભાંડની તપાસ ડાર્કવેબ પર ચાલતી ‘ARTEMISLAB.CC’ નામની ગેરકાયદેસર નાર્કોટિક્સ વેચતી વેબસાઇટથી શરૂ થઈ હતી. ટેકનિકલ યુનિટને આ વેબસાઇટના ટ્રાન્ઝેક્શન ગુજરાતના કેટલાક ક્રિપ્ટો વોલેટ સુધી પહોંચતા હોવાની માહિતી મળતા બ્લોકચેઇન એનાલિસિસ, ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફોરેન્સિક્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વેબસાઇટમાંથી થયેલા ફંડ ટ્રાન્સફર અમદાવાદના મોહસીન સાદિક મોલાણીના ક્રિપ્ટો વોલેટમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેના વોલેટનું વધુ વિશ્લેષણ કરતાં અન્ય 9 શંકાસ્પદ ભારતીય યુઝર્સના વોલેટ સાથે નાણાકીય લેવડદેવડ થયેલી હોવાનું સામે આવ્યું અને આખું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ખુલ્લું પડી ગયું. CID ક્રાઈમની તપાસમાં બહાર આવ્યું કે આ ટોળકી “Dirty Crypto” તરીકે ઓળખાતી ગેરકાયદેસર અને શંકાસ્પદ ક્રિપ્ટોકરન્સીને USDTમાં કન્વર્ટ કરીને વિવિધ માધ્યમો મારફતે આતંકી સંગઠનો અને આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ નેટવર્ક સુધી ફંડ પહોંચાડતી હતી.

આરોપીઓ ખાસ કરીને Monero જેવી ટ્રેસ ન કરી શકાય તેવી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરતા હતા, જેનો ઉપયોગ સામાન્ય રીતે ડાર્કવેબ, આતંકવાદી ફંડિંગ, ડ્રગ્સ કારોબાર અને મની લોન્ડરિંગમાં થતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે આ નેટવર્ક ડાર્કવેબ મારફતે ડ્રગ્સ વેચાણ, સાયબર ફ્રોડ અને ટેરર ફંડિંગ માટે સક્રિય હતું. તપાસમાં સૌથી મોટો ખુલાસો ત્યારે થયો જ્યારે આરોપી મોહમ્મદ ઝુબેર પોપટિયાના વોલેટનો સંબંધ ઇઝરાયેલની National Bureau for Counter Terror Financing (NBCTF) દ્વારા વર્ષ 2025માં ફ્રીઝ કરાયેલા વોલેટ સાથે મળ્યો, જે ‘હમાસ’ સંગઠન સાથે જોડાયેલ હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત ‘Dubai Company for Exchange’ મારફતે આ શંકાસ્પદ નેટવર્ક સાથે સીધા નાણાકીય વ્યવહારો કરવામાં આવતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.
સાયબર સેન્ટર ઓફ એકસેલન્સની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ નેટવર્કના ક્રિપ્ટો વોલેટ્સમાં અમેરિકાની OFAC દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયેલા સંગઠનો અને એક્સચેન્જમાંથી પણ ફંડ ટ્રાન્સફર થયા હતા. જેમાં યમનનું આતંકી સંગઠન ‘અંસાર અલ્લાહ’ (હુથી), ઈરાનનું ‘IRGC-QF’ તેમજ રશિયન પ્રતિબંધિત ક્રિપ્ટો એક્સચેન્જ ‘Garantex’ સાથે જોડાયેલા વોલેટ્સનો સમાવેશ થાય છે. તપાસમાં વધુમાં સામે આવ્યું કે આ નેટવર્ક વર્ષ 2023થી લંડનમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સપ્લાય અને મની લોન્ડરિંગમાં સક્રિય હતું. આરોપી મોહસીન મોલાણી ટેલિગ્રામ ગ્રુપ અને અન્ય ઓનલાઈન માધ્યમો મારફતે લંડન માટે ડ્રગ્સના ઓર્ડર લેતો હતો અને તે ઓર્ડર દુબઈથી નેટવર્ક ચલાવતા મોહમ્મદ ઝુબેર પોપટિયાને મોકલતો હતો, જે પોતાના નેટવર્ક મારફતે લંડનમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો.
તપાસમાં એવી પણ હકીકત ખુલી છે કે સલમાન ગુલામઅલી અન્સારી નામનો આરોપી હાલ બ્રિટનમાં ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં 6 વર્ષની સજા ભોગવી રહ્યો હોવા છતાં જેલમાં બેઠા બેઠા આખું નેટવર્ક ઓપરેટ કરતો હતો. સાબયર ક્રાઈમ વિરોધી સ્કવોર્ડની ટીમ મુજબ આતંકી ફંડિંગ અને ડ્રગ્સના નાણાં આંગડિયા તથા હવાલા નેટવર્ક મારફતે ભારત સુધી પહોંચાડવામાં આવતા હતા, જેમાં મોહસીન મોલાણી આંગડિયાથી નાણાં મેળવી અન્ય આરોપીઓ સુધી પહોંચાડતો હતો. તપાસ દરમિયાન આરોપીઓના ક્રિપ્ટો વોલેટમાં કુલ US $23.96 મિલિયન એટલે કે અંદાજે ₹226.54 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા હતા, જ્યારે આરોપીઓના Binance P2P એકાઉન્ટ સાથે જોડાયેલા બેન્ક એકાઉન્ટ સામે NCCRP પોર્ટલ પર 935 જેટલી સાયબર છેતરપિંડીની ફરિયાદો પણ નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે તપાસ કાર્યવાહી દરમિયાન 13 મોબાઇલ ફોન, એક લેપટોપ, એક ટેબ્લેટ તથા ₹1.25 લાખથી વધુની રોકડ રકમ કબ્જે કરી છે. સમગ્ર મામલે CID ક્રાઈમે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 111(2)(B), 153, 61 તથા IT Actની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો નોંધ્યો છે.