ગાંધીનગર: નીટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓના ભવિષ્યની રક્ષા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા ગાંધીનગરમાં યોજાનાર અમરણાંત ઉપવાસ આંદોલન પર કાર્યકરો બેસે તે પહેલાં જ પોલીસએ અટકાયત કરી લીધી હતી.
આજે ગાંધીનગરના સત્યગ્રહ છાવણી ખાતે નીટ પેપર લીક મુદ્દે એનએસયુઆઈ દ્વારા સવારે 9 વાગ્યાથી શાંતિપૂર્ણ પરંતુ આક્રમક ઉપવાસ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આંદોલનમાં નીટ પરીક્ષાથી પ્રભાવિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પણ મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. જોકે, આંદોલન શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા એનએસયુઆઈના અગ્રણી કાર્યકરોની અટકાયત કરી હતી. આ અંગે મળતી માહિતી મુજબ
એનએસયુઆઈના કાર્યકરો ગાંધીનગર જવા રવાના થાય તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરીને તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર વહેલી સવારથી જ પોલીસ દ્વારા ખાસ વોચ ગોઠવી હતી.
એનએસયુઆઈના અગ્રણી કાર્યકરોએ પોલીસ અને વહીવટી તંત્ર સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ ઉપવાસ આંદોલન માટે વહીવટી તંત્ર પાસેથી યોગ્ય પરવાનગી લેવામાં આવી હતી. તેમ છતાં, અમે આંદોલન સ્થળે પહોંચીએ તે પહેલાં જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. પોલીસની કડક કાર્યવાહી કારણે મોટી સંખ્યામાં કાર્યકરો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સુધી પહોંચી શક્યા નથી. કાર્યકરોની અટકાયત અને પોલીસ દમનના માહોલને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ સ્થળ પર આવી શક્યા નહોતા. જેના કારણે હાલ પૂરતું આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.