ચૂંટણી પરિણામો હંમેશ ચોંકાવનારાં અને આઘાતજનક હોય છે. આ વખતે તામિલનાડુમાં નવા રચાયેલા પક્ષને બહુમતી મળતાં આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. નવરચિત પક્ષના વડા વિજય બે બેઠકો પરથી ચૂંટણી લડયા અને બંનેમાં તેમનો વિજય થયો છે. કોઈ ઉમેદવાર બે બેઠકો પરથી ચૂંટણી લડવાની આ કાનૂની જોગવાઈ રદ થવી જોઈએ. આ જોગવાઈ અંગત લાભ માટે સરકારી મશીનરી અને સરકારી પૈસાનો દુરુપયોગ કરે છે.
ભૂતકાળમાં ગુજરાતમાં કેશુભાઈ પટેલ તેમ જ નરેન્દ્ર મોદી બે બેઠકો પરથી ચૂંટણી લડયા અને બંને બેઠકો પર વિજયી થતાં એક બેઠક ખાલી કરવાની થાય છે અને ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી સરકારી ખર્ચે યોજાય છે.આમ પણ ચૂંટાયા પછી એક બેઠકનાં મતદારોને અંગૂઠો બતાવી નનૈયો ભણવાની રીત રાજકીય દૃષ્ટિએ બરાબર નથી. લોકોના લાખો મતો બરબાદ થાય છે અને સરકારી મશીનરીનો અંગત લાભ માટે દુરુપયોગ થાય છે. કોઈ રાજકીય પક્ષને આ જોગવાઈ દૂર કરવાનું અંગત સ્વાર્થ માટે સૂઝતું નથી તે કમનસીબ કહેવાય.
અશ્વિનકુમાર ન. કારીઆ, સુરત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.