ગાંધીનગર,તા.19
ગુજરાત CID ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે એક મોટા આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી નેટવર્કનો પર્દાફાશ કરી આતંકી ફંડિંગ, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કારોબાર અને ડાર્કવેબ સાથે સંકળાયેલા 9 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન અંદાજે ₹226.54 કરોડના શંકાસ્પદ ક્રિપ્ટો વ્યવહારો સામે આવ્યા હોવાનું પોલીસએ જણાવ્યું છે.
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી રાજદિપસિંહ ઝાલાએ કહ્યું હતું કે , ‘ARTEMISLAB.CC’ નામની ગેરકાયદેસર ઓનલાઈન નાર્કોટિક્સ વેચતી વેબસાઇટના ટ્રાન્ઝેક્શન ગુજરાત સ્થિત કેટલાક ક્રિપ્ટો વોલેટ સુધી પહોંચતા હોવાની માહિતી પરથી તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસ અને બ્લોકચેઇન ટ્રેકિંગ દ્વારા સમગ્ર નેટવર્કનો ભંડાફોડ થયો હતો.

તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ “Dirty Crypto” તરીકે ઓળખાતી શંકાસ્પદ ક્રિપ્ટોકરન્સીને USDTમાં કન્વર્ટ કરી વિવિધ માધ્યમોથી આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ નેટવર્ક અને આતંકી સંગઠનો સુધી ફંડ પહોંચાડતા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ નેટવર્ક ડાર્કવેબ મારફતે ડ્રગ્સ વેચાણ, મની લોન્ડરિંગ અને આતંકવાદી પ્રવૃત્તિઓના ફંડિંગ સાથે સંકળાયેલું હતું.
ધરપકડ કરાયેલા આરોપીઓના નામ:
1)મોહસીન સાદિક મોહમદ મોલાની છીપા – સરખેજ, અમદાવાદ
2)એજાઝ અસલમખાન પઠાણ – ગ્યાસપુર, અમદાવાદ
3)મોહમ્મદઝૈદ અબ્દુલકાદરભાઈ સિદ્ધિ – જમાલપુર ચકલા, અમદાવાદ
4)નાવેદ અયુબ ખાન પઠાણ – જમાલપુર, અમદાવાદ
5)ફૈઝઅહમદ નસ્સરુદ્દીન ચિશ્તી – રાયખડ, અમદાવાદ
6)ઝીશાન સિરાજ મોતીવાલા – ગ્રાન્ટ રોડ, મુંબઈ
7)સલમાનખાન હબીબખાન પઠાણ – જમાલપુર દરવાજા, અમદાવાદ
8)લવપ્રીત દર્શનસિંહ મઢારુ – કરનાલ, હરિયાણા
9)ગુલામ સાદિક ઇબાદુલ્લા અન્સારી – જુહાપુરા, અમદાવાદ
તપાસ દરમિયાન એક મોટો ખુલાસો એ પણ થયો કે આરોપી મોહમ્મદ ઝુબેર પોપટિયાના વોલેટનો સંબંધ ઇઝરાયલની National Bureau for Counter Terror Financing (NBCTF) દ્વારા ફ્રીઝ કરાયેલા વોલેટ સાથે હતો, જે ‘હમાસ’ સંગઠન સાથે જોડાયેલા હોવાનું જણાવાયું છે. ઉપરાંત, અમેરિકાની OFAC દ્વારા પ્રતિબંધિત ‘અંસાર અલ્લાહ (હુથી)’, ‘IRGC-QF’ અને રશિયન એક્સચેન્જ ‘Garantex’ સાથે જોડાયેલા વોલેટમાંથી પણ ફંડ ટ્રાન્સફર થયાની વિગતો સામે આવી છે.
ઝાલાએ જણાવ્યું હતું કે આરોપીઓ દ્વારા Monero જેવી ટ્રેસ ન કરી શકાય તેવી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવતો હતો. આ નેટવર્ક લંડનમાં ડ્રગ્સ સપ્લાય અને મની લોન્ડરિંગમાં પણ સક્રિય હોવાનું સામે આવ્યું છે. આરોપી સલમાન અન્સારી હાલમાં બ્રિટનમાં ડ્રગ્સ કેસમાં સજા ભોગવી રહ્યો હોવા છતાં જેલમાંથી નેટવર્ક ચલાવતો હોવાના પુરાવા પણ મળ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.
સાયબરસેન્ટરઓફએક્સેલન્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ આરોપીઓના ક્રિપ્ટો વોલેટમાં કુલ US $23.96 મિલિયનથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હતા, જેની ભારતીય કિંમત અંદાજે ₹226.54 કરોડ થાય છે. આ કેસમાં અમદાવાદ, મુંબઈ અને હરિયાણાના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સાયબર ક્રાઇમ સાથેના કનેક્શન અંગે ઝાલાએ એ જણાવ્યું હતું કે આરોપીઓના Binance P2P એકાઉન્ટ સાથે જોડાયેલા બેન્ક એકાઉન્ટ સામે NCCRP પોર્ટલ પર 935 જેટલી ફરિયાદો નોંધાઈ છે, જેમાં સાયબર છેતરપિંડીના નાણાં અલગ-અલગ સ્તરે ટ્રાન્સફર કરાયા હોવાની વિગતો સામે આવી છે.
આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 111(2)(B), 153, 61 તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
તપાસનીસ પોલીસ અધિકારીઓએ આરોપીઓ પાસેથી 13 મોબાઇલ ફોન, એક લેપટોપ, એક ટેબ્લેટ અને ₹1.25 લાખથી વધુની રોકડ રકમ કબ્જે કરી છે. ઝાલાએ કહ્યું હતું કે ઈરાન,તુર્કી, હમાસ, હોથી સહિતના સંગઠ્ઠનોનુ ફાયનાન્સ આ ક્રિપ્ટો નેટવર્કના મળી આવ્યું છે.