ડીઝલની ખરીદીમાં ટેન્કરો ઘટ્યા: એપ્રિલ અને મે મહિનામાં કોર્પોરેશને કરી ₹45 લાખથી વધુની માતબર બચત



વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણ બચત અને કર્કસર કરવાની ખાસ અપીલને ઝીલી લેવામાં આવી છે. પાલિકાની વ્હીકલ પુલ શાખા દ્વારા લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણયના ભાગરૂપે સરકારી વાહનોમાં ડીઝલના વપરાશ પર નિયંત્રણ લાવીને મોટો ઘટાડો નોંધાવવામાં આવ્યો છે. આ સ્તુત્ય પ્રયાસના કારણે કોર્પોરેશનના લાખો રૂપિયાના બિનજરૂરી ખર્ચમાં મોટી બચત થવા પામી છે.
મળતી વિગતો અનુસાર, વડોદરા મહાનગરપાલિકા પાસે હાલમાં કુલ 392 જેટલાં વાહનો છે, જે તમામ કોર્પોરેશનની વ્હીકલ શાખાના પોતાના પેટ્રોલ પંપ પરથી નિયમિત રીતે ડીઝલ ભરાવે છે. આ સિવાય અન્ય 90 જેટલાં વાહનો ઓપરેશનલ એન્ડ મેઇન્ટેનન્સ હેઠળ સોંપવામાં આવેલા છે. વડાપ્રધાનની અપીલ બાદ વ્હીકલ પુલ શાખાએ તુરંત એક્શનમાં આવીને તમામ સ્તરે ઇંધણનો બગાડ અટકાવવા અને ડીઝલ બચાવવાની કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેના સકારાત્મક પરિણામો હવે જોવા મળી રહ્યા છે.
પાલિકાના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, અગાઉ જાન્યુઆરી મહિના સુધી વ્હીકલ શાખા દ્વારા સરેરાશ દર મહિને 10 ટેન્કર ડીઝલની ખરીદી કરવામાં આવતી હતી. જોકે, નવા આયોજન અને કડક મોનિટરિંગ બાદ એપ્રિલ મહિનામાં આ ખરીદી ઘટીને 9 ટેન્કર પર આવી ગઈ હતી, એટલે કે સીધો એક ટેન્કરનો ઘટાડો નોંધાયો હતો. એપ્રિલ માસ દરમિયાન ડીઝલની એક ટેન્કરની કિંમત આશરે સાડા આઠ લાખ રૂપિયા જેટલી હતી, જેના કારણે પાલિકાને એપ્રિલમાં જ સાડા આઠ લાખ રૂપિયાની સીધી બચત થઈ હતી.
આ આયોજન માત્ર એક મહિના પૂરતું સીમિત ન રહેતા મે મહિનામાં વધુ અસરકારક સાબિત થયું છે. ચાલુ મે મહિના દરમિયાન ડીઝલની ખરીદી વધુ ઘટાડીને માત્ર 8 ટેન્કર સુધી લાવવામાં આવશે, જે અગાઉની સરેરાશ કરતાં બે ટેન્કર જેટલી ઓછી છે. હાલના બજાર ભાવ પ્રમાણે ડીઝલની એક ટેન્કરની કિંમત આશરે 18 લાખ રૂપિયાની આસપાસ છે. આથી મે મહિનામાં બે ટેન્કર ઓછી ખરીદવાના કારણે પાલિકાને અંદાજે 36,50,000 રૂપિયા જેટલી માતબર રકમની બચત થઈ છે.
આમ, એપ્રિલ અને મે એમ બે મહિનાના ટૂંકા ગાળામાં જ વડોદરા કોર્પોરેશને વાહનોના ઇંધણ ખર્ચમાં કુલ મળીને આશરે 45 લાખ રૂપિયાથી વધુની મોટી બચત કરી બતાવી છે. જોકે, બજારમાં ડીઝલના વધતા ભાવોને કારણે કુલ ખર્ચના આંકડામાં કદાચ મોટો ઘટાડો ન દેખાય, પરંતુ જથ્થાની દ્રષ્ટિએ ઓછી ખરીદી થતાં હાલના ઊંચા ભાવો સામે પાલિકાએ પોતાની તિજોરીમાંથી થતું મોટું નુકસાન અટકાવી દીધું છે. વડોદરા મહાનગરપાલિકાનો આ આર્થિક શિસ્ત અને રાષ્ટ્રહિતનો અભિગમ અન્ય સરકારી તંત્રો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે.