Sports

શું આજે ધોનીની છેલ્લી IPL મેચ? CSK-SRH મેચ પહેલા ભાવુક બન્યા ફેન્સ, ધોનીની નિવૃત્તિ ચર્ચાએ જોર પકડ્યું

IPL 2026ની 63મી મેચ આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. ચેન્નઈના ઐતિહાસિક એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ એટલે કે ચેપોક ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થનારી આ મેચ માત્ર પ્લેઓફની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ મહેન્દ્રસિંહ ધોનીને લઈને પણ ભારે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર સૌથી મોટો સવાલ એ છે કે શું આજે ધોની છેલ્લી વખત પીળી જર્સીમાં મેદાનમાં જોવા મળશે? આ સીઝનની શરૂઆત પહેલા ચેન્નઈ સુપર કિંગ્સે જાહેરાત કરી હતી કે ધોની પગની ઈજાને કારણે શરૂઆતની કેટલીક મેચોમાં રમશે નહીં. જોકે સમય પસાર થતો ગયો અને ધોની હજુ સુધી એક પણ મેચ રમ્યો નથી. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના એક નિવેદને ચાહકોમાં નવી આશા જગાવી છે. પોતાની યુટ્યુબ ચેનલ પર અશ્વિને કહ્યું હતું કે, ‘મને લાગે છે કે ધોની સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમે તેવી સારી શક્યતા છે. મેં સાંભળ્યું છે કે તે છેલ્લી બે-ત્રણ મેચો માટે તૈયાર છે.’

અશ્વિનના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર #DhoniReturn ટ્રેન્ડ થવા લાગ્યું હતું. ધોનીના કરોડો ચાહકો હવે ચેપોકમાં તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. આ મેચને વધુ ખાસ બનાવે છે ધોનીનું 2021માં આપેલું એક નિવેદન. CSKએ ત્યારે IPL ટાઇટલ જીત્યા બાદ ધોનીએ કહ્યું હતું કે, “આશા છે મારી છેલ્લી T20 મેચ ચેન્નઈમાં હશે.” હવે લગભગ પાંચ વર્ષ બાદ ચેન્નઈની આ છેલ્લી લીગ મેચ હોવાથી ફેન્સ તેને સંભવિત ફેરવેલ મેચ તરીકે જોઈ રહ્યા છે. જોકે CSK તરફથી હજુ સુધી ધોની રમશે કે નહીં તે અંગે કોઈ નિવેદન બહાર આવ્યું નથી. જો ધોની મેદાનમાં ઉતરે છે, તો તે વિકેટકીપર-બેટ્સમેન તરીકે અથવા ઇમ્પેક્ટ પ્લેયર તરીકે જોવા મળી શકે છે. પ્લેઓફની દ્રષ્ટિએ પણ આ મેચ બંને ટીમો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. પાંચ વખતની ચેમ્પિયન CSK હાલમાં પોઇન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. ટીમે 12 મેચમાંથી 6 જીત અને 6 હાર સાથે 12 પોઇન્ટ મેળવ્યા છે. લખનઊ સામેની હાર બાદ હવે ચેન્નઈ માટે બાકી બંને મેચ જીતવી લગભગ ફરજિયાત બની ગઈ છે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદ 14 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે અને આજે જીત મળે તો ટીમ પ્લેઓફની ખૂબ નજીક પહોંચી જશે.

હેડ-ટુ-હેડ રેકોર્ડમાં CSKનું પલડું ભારે રહ્યું છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 23 મેચ રમાઈ છે, જેમાં ચેન્નઈએ 15 અને હૈદરાબાદે 8 મેચ જીતી છે. જોકે આ સીઝનની પ્રથમ મેચ SRHએ જીતી હતી. ચેન્નઈ માટે આ સીઝનમાં સંજુ સેમસન સૌથી સફળ બેટર રહ્યો છે. તેણે 12 મેચમાં 450 રન બનાવ્યા છે. જ્યારે અંશુલ કંબોજે 19 વિકેટ લઈને બોલિંગમાં અસર છોડી છે. હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસેન શાનદાર ફોર્મમાં છે. તેણે 508 રન બનાવ્યા છે, જ્યારે ઈશાન મલિંગાએ 16 વિકેટ ઝડપી છે. ચેપોકની પીચ આ વખતે પરંપરાગત સ્પિન ટ્રેકથી અલગ જોવા મળી છે. અહીં આ સીઝનમાં સતત 200થી વધુ સ્કોર બન્યા છે. જોકે સ્પિનરોને પણ કેટલીક મેચોમાં મદદ મળી છે. હવામાન વિભાગ મુજબ મેચ દરમિયાન હળવા વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા છે. તેમ છતાં ચાહકોને આશા છે કે આખી મેચ રમાશે અને કદાચ તેઓ ધોનીને ફરી મેદાનમાં જોઈ શકશે.

Most Popular

To Top