Sports

યુઝવેન્દ્ર ચહલને અનફોલો કરવા પાછળનું કારણ મહવશે આખરે જણાવ્યું… કહ્યું, મિત્રો અનફોલો કરે તો એ મોટી વાત નથી

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશ છેલ્લા ઘણા મહિનાઓથી તેમના સંબંધોને લઈને ચર્ચામાં રહ્યા છે. ખાસ કરીને ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા બાદ બંને વચ્ચે ડેટિંગ હોવાની અફવાઓ સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી હતી. હવે આખરે મહવશે ચહલને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરવાના મામલે મૌન તોડ્યું છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન મહવશે સ્પષ્ટ કહ્યું કે લોકો નાની બાબતોને ખૂબ મોટો મુદ્દો બનાવી દે છે. તેણે જણાવ્યું કે મિત્રો વચ્ચે મતભેદ થવું સામાન્ય બાબત છે અને ક્યારેક લોકો એકબીજાને અનફોલો પણ કરે છે. તેમાં કંઈ અસામાન્ય નથી. મહવશે કહ્યું, “લોકોને વાતનું વતેસર કરવાની ટેવ હોય છે. મિત્રો વચ્ચે ઝઘડા થાય છે, તેઓ અનફોલો પણ કરે છે. આ કોઈ એટલો મોટો મુદ્દો નથી. જેમની સાથે તમે જીવનની સારી પળો જીવી હોય, તેમની સામે મનમાં કડવાશ રાખવી યોગ્ય નથી. હું હંમેશા તેના માટે સારું જ ઇચ્છીશ.”

ચહલ અને મહવશે એકબીજાને અનફોલો કર્યા હોવાની ચર્ચા આ વર્ષની જાન્યુઆરીમાં શરૂ થઈ હતી. સોશિયલ મીડિયા પર પાપારાઝી પેજોએ દાવો કર્યો હતો કે બંને પહેલા એકબીજાને ફોલો કરતા હતા, પરંતુ બાદમાં બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજા સાથેનો સંપર્ક તોડી નાખ્યો હતો. ત્યારથી જ બંને વચ્ચે મતભેદ કે બ્રેકઅપ જેવી અટકળો શરૂ થઈ ગઈ હતી. યુઝવેન્દ્ર ચહલ અને મહવશ ઘણીવાર સાથે જોવા મળતા હતા. બંનેને અનેક ઇવેન્ટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં સાથે જોતા ફેન્સે માનવાનું શરૂ કરી દીધું હતું કે તેઓ માત્ર મિત્રો નથી, પરંતુ તેમના વચ્ચે ખાસ સંબંધ છે. જોકે બંનેએ હંમેશા પોતાને “માત્ર સારા મિત્રો” ગણાવ્યા હતા. તાજેતરમાં ચહલ રાજ શમાનીના પોડકાસ્ટમાં પણ જોવા મળ્યો હતો. ત્યાં તેણે પોતાના અને મહવશના સંબંધોને લઈને ચાલી રહેલી અટકળો પર ખુલ્લેઆમ વાત કરી હતી. ચહલે કહ્યું હતું કે લોકો કોઈ પણ બે વ્યક્તિને સાથે જોઈને તરત જ તેમને જોડવા લાગે છે.

ચહલે એ પણ જણાવ્યું કે મહવશને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોએ તો તેને “ઘર તોડનારી” સુધી કહી દીધું હતું. ચહલે સ્વીકાર્યું કે આ બાબત તેને ખૂબ ખરાબ લાગી હતી. તેણે કહ્યું, “તે માટે આ સમય ખૂબ મુશ્કેલ હતો. તેણે ઘણી ખરાબ વાતો સાંભળી. મને એ જોઈને ખરાબ લાગ્યું કારણ કે લોકો સત્ય જાણ્યા વગર જ નિર્ણય કરી લે છે.” પોડકાસ્ટ દરમિયાન જ્યારે ચહલને ફરી પ્રેમમાં પડવા અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે ખૂબ જ ભાવુક જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે તેને ફરી પ્રેમમાં પડવાનો ડર નથી, પરંતુ કોઈને ગુમાવવાનો ડર છે, કારણ કે તે સંબંધોમાં દિલથી જોડાઈ જાય છે. ચહલના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ફરી ચર્ચા તેજ બની છે. જોકે મહવશ અને ચહલ બંનેએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ વચ્ચે કોઈ નકારાત્મકતા નથી અને બંને એકબીજાની ખુશી જ ઇચ્છે છે.

Most Popular

To Top