Vadodara

વાડીમાં ₹10 લાખના રોડ કાર્પેટિંગ સામે જનઆક્રોશ: ઘરોમાં પાણી ભરાવાની દહેશત

જૂનો રોડ ખોદ્યા વિના જ ડામરના થર ચડાવતાં રહીશોનો હોબાળો; ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો આમને-સામને આવતા પોલીસ બોલાવવી પડી

વડોદરા: ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસકાર્યો પુનઃ શરૂ કરાયા છે, પરંતુ વોર્ડ નંબર 14 હેઠળના વાડી વિસ્તારમાં શરૂ થયેલી કામગીરી વિવાદમાં સપડાઈ છે. વાડી ટાવરથી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર સુધીના મુખ્ય માર્ગ પર પાલિકા દ્વારા આશરે ₹10 લાખના ખર્ચે રોડ કાર્પેટિંગ કામ શરૂ કરાતા જ સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ સાથે વિરોધ નોંધાવ્યો હતો. હોબાળાને પગલે ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો માત્ર 100 ફૂટના અંતરે આમને-સામને આવી જતાં મામલો ઉગ્ર બન્યો હતો, જેના કારણે અંતે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ વિસ્તાર ગટર અને ચોમાસામાં ભરાતા પાણીની ગંભીર સમસ્યાથી પીડાય છે. ગાયકવાડ સમયની જૂની ડ્રેનેજ લાઈનો તૂટી ગઈ છે. તંત્ર દ્વારા જૂનો રોડ ખોદ્યા વિના જ તેની ઉપર ડામરના થર પર થર ચડાવવામાં આવી રહ્યા છે, જેથી રોડ ઊંચો થઈ રહ્યો છે અને રહેણાંક ફળિયા નીચા થઈ ગયા છે. ચોમાસું નજીક હોવાથી નવો થર લાગવાને કારણે ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ જવાની રહીશોને દહેશત છે.

સ્થાનિકોના સમર્થનમાં આવેલા કોંગ્રેસના નગરસેવકો દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો કે, કોઈપણ ટેકનિકલ ટેસ્ટિંગ વગર માત્ર ભ્રષ્ટાચાર આચરવા માટે આ કામ થઈ રહ્યું છે અને જનતાની મૂળભૂત સમસ્યાઓ વણઉકેલાયેલી છે.
​બીજી તરફ, ભાજપના મહિલા નગરસેવકો દીપિકાબેન પટણી અને અંકિતાબેને વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસને માત્ર સારા કામોમાં રોડા નાખવાની ટેવ છે. મુખ્ય માર્ગના રહીશો આ કામથી ખુશ છે. રહીશોની અંદરના ફળિયાની ગટર-પાણીની સમસ્યાઓ અગાઉથી જ મંજૂર થયેલી છે અને પાલિકાનું નવું બોર્ડ કાર્યરત થતાં જ વરસાદી કાસ પરના દબાણો હટાવી તમામ પ્રાથમિક સુવિધાઓના કામો પુરા કરાશે. વિરોધને પગલે થોડો સમય કામ અટક્યા બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી ફરી શરૂ કરાઈ હતી.

Most Popular

To Top