Vadodara

બસમાં ‘સફાઈથી’ હાથફેરો! મહિલાના ગળામાંથી બે તોલાનું મંગળસૂત્ર ગાયબ

કીર્તિસ્તંભથી જંબુસર જતી બસમાં પરિવાર સાથે મુસાફરી કરતી મહિલા સાથે બનેલી ઘટના

વડોદરા તા.18

વડોદરા શહેરના કીર્તિસ્તંભ બસ સ્ટેન્ડ પરથી જંબુસર જતી લોકલ બસમાં મુસાફરી કરતી એક મહિલાના ગળામાંથી ગઠિયાએ બે તોલાનું સોનાનું મંગળસૂત્ર સફાઈથી સરકાવી લીધું હતુ. લાલબાગ પાસે બસ પહોંચતા મહિલાએ ગળામાં હાથ નાખતા ચેન જોવા મળી ન હતી. જેથી દંતેશ્વર વિસ્તારમાં રહેતા પંકજ નરેન્દ્રભાઈ ભાવસારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, પંકજ ભાવસાર પોતાની પત્ની મોહિનીબેન અને બાળક સાથે તા.17 મેના રોજ સવારે જંબુસર ખાતે સાસરી જવા માટે નીકળ્યા હતા. તેઓએ પોતાનું જ્યુપિટર સ્કૂટર કીર્તિસ્તંભ પાસે પાર્ક કરી લોકલ બસમાં મુસાફરી શરૂ કરી હતી. બસ લાલબાગ વિસ્તારમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિર નજીક પહોંચી ત્યારે મોહિનીબેને ગળામાં પહેરેલું મંગળસૂત્ર ગાયબ હોવાનું ધ્યાન આવ્યું હતું.
પરિવારે તરત જ બસમાં બેઠેલા મુસાફરોને પૂછપરછ કરી હતી તેમજ બેગ અને સામાનમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ મંગળસૂત્રનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ત્યારબાદ તેઓ અવધૂત ફાટક પાસે બસમાંથી ઉતરી રિક્ષા મારફતે ફરી કીર્તિસ્તંભ બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા અને આસપાસ પણ તપાસ કરી હતી.
ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે માહિતી મેળવી હતી. અંદાજે રૂ.1.73 લાખ કિંમતનું સોનાનું મંગળસૂત્ર ચોરી ગયાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી બસ રૂટ તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે.

Most Popular

To Top