Business

19 મે બાદ ઘટશે તાપમાન, બફારા અને ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા

ગુજરાતમાં ઉનાળાની સિઝન અંતિમ તબક્કામાં હોવા છતાં ગરમીનો પ્રકોપ હજુ યથાવત્ છે. રાજ્યભરના અનેક શહેરોમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી રહ્યું છે, જેના કારણે લોકો ભારે બફારા અને અસહ્ય ગરમીથી પરેશાન બન્યા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ગરમીમાં કોઈ ખાસ રાહત નહીં મળે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના મોટાભાગના શહેરોમાં આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાઈ શકે છે. આજે વલ્લભ વિદ્યાનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું, જ્યાં તાપમાનનો પારો 42.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં પણ ગરમીનો માહોલ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે ગરમી વચ્ચે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. હવામાન વિભાગના મતે રાજ્ય તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ રહી છે. તેની અસરના કારણે 19 મે બાદ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાઈ શકે છે. જેના કારણે લોકોને બફારા અને ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સાથે જ ચોમાસાને લઈને પણ હવામાન વિભાગે સારા સંકેતો આપ્યા છે. વિભાગના અનુમાન મુજબ આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય સમય કરતાં લગભગ 5 દિવસ વહેલું સક્રિય થઈ શકે છે. સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં કેરળમાં પ્રવેશતું ચોમાસું આ વખતે 26 મેની આસપાસ દસ્તક આપી શકે છે. જો કેરળમાં ચોમાસું વહેલું પહોંચશે તો તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે અને રાજ્યમાં સમય કરતાં વહેલો વરસાદ શરૂ થવાની શક્યતા છે. હાલ માટે લોકોને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા, પૂરતું પાણી પીવાનું અને હીટવેવથી બચવા સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર લોકો માટે આગામી થોડા દિવસ વધુ મુશ્કેલ બની શકે છે.

Most Popular

To Top