Dahod

સુરભી ગૌતમ દાહોદના નવા કલેક્ટર તરીકે નિયુક્ત

વડોદરાના પ્રાદેશિક કમિશનર પદેથી બદલી, યોગેશ બામણરાવ નિરગુડેની પણ બદલી
ગુજરાત કેડર 2017ના IAS અધિકારી, વહીવટી અનુભવથી દાહોદને મળશે નવી દિશા
જિલ્લા વહીવટમાં પારદર્શિતા અને ગતિશીલતા વધારવાની અપેક્ષા

( પ્રતિનિધિ ) દાહોદ:
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા હુકમ મુજબ શ્રીમતી સુરભી ગૌતમ, IAS (ગુજરાત કેડર-2017)ને દાહોદ જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં વડોદરા ખાતે નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમની બદલી સાથે દાહોદના હાલના કલેક્ટર યોગેશ બામણરાવ નિરગુડે, IASની પણ બદલી કરવામાં આવી છે.
સુરભી ગૌતમનો જન્મ 21 ઓગસ્ટ, 1991ના રોજ થયો હતો. તેમણે ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનમાં B.E. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. તેઓ 2017 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે અને અત્યાર સુધી વિવિધ મહત્વપૂર્ણ વહીવટી હોદ્દાઓ પર સેવાઓ આપી ચૂક્યા છે.
તેઓએ ડિરેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મદદનીશ કલેક્ટર, મદદનીશ સચિવ તેમજ સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર તરીકેની જવાબદારીઓ સફળતાપૂર્વક સંભાળી છે. તાજેતરમાં 9 એપ્રિલ, 2025થી તેઓ વડોદરામાં નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર તરીકે કાર્યરત હતા.
ગુજરાતી ભાષામાં પારંગત એવા શ્રીમતી સુરભી ગૌતમની દાહોદ કલેક્ટર તરીકેની નિમણૂકથી જિલ્લાના વહીવટી કાર્યમાં વધુ પારદર્શિતા, કાર્યક્ષમતા અને ગતિશીલતા આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિપોર્ટર: વિનોદ પંચાલ

Most Popular

To Top