Charchapatra

સુરતે એક અનમોલ ‘હીરો’ ગુમાવ્યો

તાજેતરમાં સુરત શહેરના પૂર્વ મેયર અને અગ્રણી શિક્ષણવિદ ડો. કનુભાઈ માવાણીના નિધનથી સુરતે માત્ર એક રાજકીય નેતા જ નહીં, પરંતુ એક સાચા સમાજસેવક અને બહુઆયામી પ્રતિભા ગુમાવી છે. ગારિયાધારના ગણેશગઢ ગામે જન્મેલા ડો. માવાણીની જીવનસફર શૂન્યમાંથી સર્જનની ગાથા સમાન હતી, જેઓ હીરા ઉદ્યોગમાં જોડાવા સુરત આવ્યા હતા પરંતુ લોકસેવાની ભાવના સાથે મેડિકલ ક્ષેત્રે આગળ વધ્યા. ડો. માવાણીએ માત્ર તબીબી ક્ષેત્રે જ નહીં, પરંતુ સુરતના મેયર અને ધારાસભ્ય તરીકે શહેરના સામાજિક અને શૈક્ષણિક માળખામાં ક્રાંતિકારી સુધારા કર્યા હતા.

એક BAMS ડોક્ટર હોવા છતાં શિક્ષણ પ્રત્યેના તેમના લગાવને કારણે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ (VC) જેવા ગરિમાપૂર્ણ પદ સુધી પહોંચ્યા અને આયુર્વેદિક કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે પણ સેવાઓ આપી. હીરા ઉદ્યોગના હબ ગણાતા સુરત માટે તેઓ ખરેખર એક અનમોલ હીરા સમાન હતા, જેમણે પોતાની કોઠાસૂઝથી શહેરના વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે સેતુ સમાન બનેલા ડો. કનુભાઈ માવાણીનું યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે. તેમની ‘દરેક ક્ષણે લોકસેવા’ની ભાવના આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના.
સુરત     – ડૉ. પંકજ જે. ગાંધી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top