શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ હવેલીમાં વૈષ્ણવોની ઉપસ્થિતિમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો
કાલોલ, તા. 12/05/26
કાલોલ ખાતે આવેલી પ્રાચીન શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ હવેલી અંતર્ગત “કુસુમ કુંજ”ના ભૂમિપૂજનનો ધાર્મિક કાર્યક્રમ ભક્તિમય માહોલમાં યોજાયો હતો. હવેલીના ગાદીપતિ પુ.પા. ગોસ્વામી ડૉ. શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીના વરદહસ્તે વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

નિકુંજ નાયક પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ પરમ મોહિની શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ હવેલીસ્વરૂપ શ્રીગોવર્ધનધરણ પ્રભુના અનુગ્રહથી ચાલી રહેલી હવેલીના બાંધકામ દરમિયાન હવેલી પાછળ આવેલ લાગુ મકાનમાં ગો.વા. મંજુલાબેન જગમોહનદાસ શાહના મનોરથ સ્વરૂપે “કુસુમ કુંજ”ના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે જણાવાયું હતું કે શ્રીગોવર્ધનધરણ પ્રભુના સુખાર્થે અહીં દુધઘર, બાલભોગ, જલપાન તેમજ પાનઘરનું નિર્માણ કરવામાં આવશે, જે હવેલીની સેવાઓમાં વધુ વધારો કરશે.
ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન વૈષ્ણવોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહી લાભ પ્રાપ્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને વૈષ્ણવ પરંપરાની ભાવનાથી ઓતપ્રોત રહ્યો હતો.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા