અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજયે આજે રવિવારે તામિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ચેન્નઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજકીય નેતાઓ, ફિલ્મ જગતની હસ્તીઓ અને હજારો સમર્થકો હાજર રહ્યા હતા.વિજયે સવારે લગભગ 10.15 વાગ્યે તમિલ ભાષામાં મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ ખાસ હાજર રહી હતી. શપથવિધિ બાદ તે વિજયના પરિવારજનોને મળી હતી અને તેમની માતા સાથે મુલાકાત કરતી જોવા મળી હતી.
વિજયે મુખ્યમંત્રી તરીકે શપથ લેતા કહ્યું કે તેઓ ભારતના બંધારણ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા રાખશે અને રાજ્યના તમામ લોકો સાથે ન્યાય કરશે. તેમણે દેશની એકતા અને અખંડિતતા જાળવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી. શપથ દરમિયાન એક રસપ્રદ ઘટના પણ બની હતી. વિજય શપથની નિર્ધારિત લાઈનો સિવાય વધારાની વાતો બોલવા લાગ્યા હતા. ત્યારે રાજ્યપાલ આર.એન. અર્લેકરે તેમને રોકીને માત્ર લખાયેલું જ વાંચવા જણાવ્યું હતું. વિજય સાથે 9 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા. તેમાં એન આનંદ, આધવ અર્જુન, ડો. કેજી અરુણરાજ, કેએ સેંગોટ્ટૈયન, પી વેંકટરમણન, આર નિર્મલકુમાર, રાજમોહન, ડો. ટીકે પ્રભુ અને સેલ્વી એસ કીર્તનાનો સમાવેશ થાય છે. ખાસ વાત એ રહી કે મંત્રીમંડળમાં માત્ર TVK પાર્ટીના ધારાસભ્યોને જ સ્થાન આપવામાં આવ્યું છે. કોંગ્રેસ, CPI, CPM, VCK અને IUML જેવા સહયોગી પક્ષોના કોઈ સભ્યને મંત્રી બનાવવામાં આવ્યા નથી.
શપથવિધિ બાદ ફિલ્મ અને રાજકીય જગતમાંથી વિજયને અભિનંદનો મળવા લાગ્યા. સાઉથ સુપરસ્ટાર કમલ હાસને વિજયને શુભેચ્છા પાઠવતા કહ્યું કે તેમના નેતૃત્વમાં તામિલનાડુ નવી ઊંચાઈઓ સર કરશે. અભિનેતા પ્રકાશ રાજે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિજયને નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે રાજ્ય તેમના નેતૃત્વમાં વધુ વિકાસ કરશે. સરકાર રચવાની પ્રક્રિયા પહેલાં શનિવારે વિજયે રાજ્યપાલ અર્લેકરને મળીને સમર્થન પત્રો સુપરત કર્યા હતા. TVK ઉપરાંત કોંગ્રેસ, CPI, CPM, VCK અને IUMLના ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું હતું. ત્યારબાદ રાજ્યપાલે તેમને સરકાર બનાવવાનું સત્તાવાર આમંત્રણ આપ્યું હતું.
વિજયની પાર્ટી તમિલગા વેત્રી કડગમ (TVK) માટે આ ઐતિહાસિક ક્ષણ છે. માત્ર બે વર્ષ પહેલાં બનેલી આ પાર્ટીએ પોતાની પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 234માંથી 108 બેઠકો જીતીને સૌને ચોંકાવી દીધા હતા. તામિલનાડુના રાજકારણમાં આ પરિણામને મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. 1967 પછી પહેલીવાર એવું બન્યું છે કે રાજ્યમાં DMK અથવા AIADMK સિવાયની કોઈ પાર્ટીનો નેતા મુખ્યમંત્રી બન્યો છે. વિજયના સમર્થકો માટે આ ક્ષણ ઉત્સવ સમાન રહી હતી. સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ‘થલાપતિ’ના નારા લગાવ્યા હતા. હવે તમામની નજર નવી સરકારના આગામી નિર્ણય અને વિજયના શાસન પર રહેશે, કારણ કે ફિલ્મ જગતમાંથી રાજકારણમાં આવેલા વિજય સામે લોકોની અપેક્ષાઓ ખૂબ ઊંચી છે.