ખાનગી યુનિવર્સિટીના 5 વિદ્યાર્થીઓ સહિત 6 પાંચ દિવસના રિમાન્ડ પર
વડોદરા તારીખ 6
વડોદરા શહેરમાં ભારતીય ચલણની નકલી નોટોના કૌભાંડમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં ખાનગી યુનિવર્સિટીના 5 વિદ્યાર્થીઓ સહિત 6 આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. મુખ્ય આરોપી ને પકડવા માટે પોલીસે રાજસ્થાનમાં તરફ તપાસનો દોર ફરી લંબાવ્યો છે.
વાઘોડિયા રોડ પર આવેલી HDFC બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં ગત 28 એપ્રિલે રૂ.500ની 20 નકલી નોટો જમા થતાં મામલો સામે આવ્યો હતો. બેંક મેનેજરે આ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન SOGએ સાગર રમેશ મારુ, નિસર્ગ દિનેશ પટેલ, ધનુષ પ્રકાશ હેલીકેરી, ભાવેશ નીલકમલ શર્મા, તીર્થ વિનોદ લિખીયા અને અક્ષય સાવરલાલ ગોયલને ધરપકડ કરી હતી. આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછમાં ખુલ્યું કે તેઓ નકલી નોટો રાજસ્થાનના અક્ષય ગોયલ અને મનોહર ઉર્ફે મુન્ના ગુજ્જર પાસેથી મેળવતા હતા.
આરોપીઓની વધુ પૂછપરછ માટે SOGએ કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ મેજિસ્ટ્રેટે તમામ આરોપીઓને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે.
બીજી તરફ, મુખ્ય સૂત્રધાર મનોહર ઉર્ફે મુન્ના ગુજ્જર હજુ સુધી પકડાયો નથી અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તેને ઝડપી પાડવા માટે SOGની અલગ-અલગ ટીમો તપાસમાં લાગી ગઈ છે, જેમાં એક ટીમ રાજસ્થાનમાં ગુપ્ત રીતે ધામા નાખીને તપાસ કરી રહી છે.