પ્રિસ્ક્રિપ્શન વગર નશો પિરસતી મેડિકલ એજન્સી સામે ઔષધ નિયામક તંત્રની લાલ આંખ
કોડિન યુક્ત સીરપ અને સાઇકોટ્રોપિક ટેબ્લેટ્સના બેરોકટોક વેચાણ મામલે શિવાની મેડિસિન પર આજીવન પ્રતિબંધ
(પ્રતિનિધિ), વડોદરા. તા.6
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં દવાના ઓઠા હેઠળ નશાનો વેપાર કરતી એક મોટી માછલી પર ખોરાક અને ઔષધ નિયામક તંત્ર (FDCA) એ તવાઈ બોલાવી છે. લોકોના સ્વાસ્થ્યના ભોગે નફો રળી આપનારને છોડવામાં નહીં આવે તેવા મક્કમ નિર્ધાર સાથે, તંત્રએ ‘મેસર્સ શિવાની મેડિસિન’ નામના મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરી તેના શટર હંમેશા માટે પાડી દીધા છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જ્યારે આ સ્ટોર પર દરોડો પાડવામાં આવ્યો, ત્યારે પરિસ્થિતિ ચોંકાવનારી હતી. તપાસ અધિકારીઓને માલૂમ પડ્યું હતું કે, અહીં જે દવાઓ માત્ર મનોચિકિત્સકની સલાહ અને પ્રિસ્ક્રિપ્શનથી જ મળવી જોઈએ, તે મીઠાઈની જેમ વહેંચાઈ રહી હતી.
અહીંથી નશા માટે પ્રખ્યાત Nitrazepam અને Alprazolam જેવી સાઇકોટ્રોપિક દવાઓ કોઈ પણ કાગળિયા વગર વેચાઈ રહી હતી. ખાંસી માટે વપરાતી પરંતુ નશાખોરોની પ્રથમ પસંદગી એવી PB-REX અને BESCODEX જેવી 5 પ્રકારની દવાઓનો મોટો જથ્થો શંકાસ્પદ રીતે ગાયબ હતો અથવા હિસાબ વગર વેચાયો હતો.
શિવાની મેડિસિનનો ગુનાહિત રેકોર્ડ વર્ષો જૂનો છે. તંત્રએ તેને અનેકવાર ચેતવણી આપી હતી, પરંતુ લાલચના લોભમાં આ સ્ટોર સંચાલકે કાયદાની અવગણના કરવાનું ચાલુ રાખ્યું હતું. 2019 માં પહેલીવાર ગંભીર ગેરરીતિ પકડાતા તંત્રએ 30 દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ કરીને નરમ વલણ દાખવ્યું હતું. બે વર્ષ બાદ ફરીથી તપાસમાં નશાકારક સીરપનું ગેરકાયદે વેચાણ પકડાયું હતું. તાજેતરની તપાસમાં માલૂમ પડ્યું કે આ વેપારી તંત્રની નોટિસને ઘોળીને પી ગયો છે. સંતોષકારક જવાબ આપવાને બદલે ગેરકાયદે વેપાર ચાલુ રાખતા, આખરે લાયસન્સ કાયમી ધોરણે રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
આ દવાઓના દુરૂપયોગથી સમાજમાં ભયંકર અસરો જોવા મળે છે જેમ કે કોડિનયુક્ત સીરપના ઓવરડોઝથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને વ્યક્તિ કોમામાં જઈ શકે છે. સાઇકોટ્રોપિક દવાઓ મગજને સુન્ન કરી દે છે, જેનાથી આત્મહત્યા અથવા હિંસક વૃત્તિઓ જન્મે છે. સસ્તા નશાના રવાડે ચઢીને વડોદરાનું યુવાધન ગુનાખોરી તરફ વળે નહીં તે માટે આ ‘સર્જિકલ સ્ટ્રાઈક’ અનિવાર્ય હતી.
વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ સઘન તપાસ કરવામાં આવશે. જે મેડિકલ સ્ટોર સંચાલકો પ્રિસ્ક્રિપ્શન વિના કે શિડ્યુલ-H કે H1 પ્રકારની દવાઓનો હિસાબ રાખ્યા વગર વેચાણ કરશે, તેમની હાલત પણ શિવાની મેડિસિન જેવી જ થશે. કોઈપણ મેડિકલ સ્ટોર પર આવી નશાકારક દવાઓનું શંકાસ્પદ વેચાણ થતું જણાય તો તાત્કાલિક વિભાગને જાણ કરવા અનુરોધ કરાયો છે.