Vadodara

મકરપુરાની જશોદા કોલોનીમાં હૃદયદ્રાવક ઘટના

ધોરણ 12માં આવેલા 17 વર્ષીય આતિશ ચૌધરીનો ગળેફાંસો ખાઈ આપઘાત, વેકેશન પૂરું થાય તે પહેલાં જ જીવનલીલા સંકેલી

ઉપરના રૂમમાં ભત્રીજાને લટકતી હાલતમાં જોઈ કાકા સ્તબ્ધ; મકરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

(પ્રતિનિધિ), વડોદરા. તા.6

વડોદરા :- શહેરના મકરપુરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જશોદા કોલોનીમાં રહેતા અને ધોરણ 12 માં અભ્યાસ કરતા 17 વર્ષીય આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. વેકેશન પૂરું થવાના આરે હતું અને નવા શૈક્ષણિક વર્ષની તૈયારીઓ વચ્ચે જ યુવાને આ આત્યંતિક પગલું ભરી લેતા આસપાસના રહીશોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મકરપુરાની જશોદા કોલોનીમાં રહેતા આતિશ વિરેન્દ્ર ચૌધરી ઉં.વ. 17 વર્ષ. એ આ આત્મઘાતી પગલું ભર્યું હતું. આતિશ તાજેતરમાં જ ધોરણ 11 ની પરીક્ષા પાસ કરીને ધોરણ 12 માં પ્રવેશ્યો હતો. ઘટના સમયે આતિશ ઘરના ઉપરના રૂમમાં એકલો હતો.

જ્યારે તેના કાકા બહારથી ઘરે પરત આવ્યા અને ઉપરના રૂમમાં તપાસ કરી, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આતિશ રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. કાકાએ તુરંત જ બુમાબુમ કરતા આસપાસના પાડોશીઓ દોડી આવ્યા હતા. લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.

આ અંગે તુરંત જ મકરપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

માત્ર 17 વર્ષની ઉંમરે, જ્યારે કારકિર્દીના ઘડતરનું વર્ષ ધોરણ 12 શરૂ થઈ રહ્યું હતું, ત્યારે આતિશે કેમ આત્મહત્યા કરી તે મોટો પ્રશ્ન છે. શું કોઈ માનસિક તણાવ હતો, અભ્યાસનું ભારણ હતું કે અન્ય કોઈ કારણ ? તે તપાસનો વિષય છે. આ ઘટનાએ વાલીઓ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો રજૂ કર્યો છે.

Most Popular

To Top