ફિલ્મ ‘આશિકી’થી પ્રસિદ્ધ બનેલા એક્ટર રાહુલ રોય હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો કારણે ચર્ચામાં આવ્યા છે. આ વીડિયોને લઈને કેટલાક લોકોએ તેમની મજાક ઉડાવી અને ટ્રોલિંગ શરૂ કરી દીધી હતી. હવે આ મામલે ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA) ખુલ્લેઆમ રાહુલ રોયના સમર્થનમાં આવ્યું છે. AICWA એ આ ટ્રોલિંગને ખોટું અને અસંવેદનશીલ ગણાવ્યું છે. એસોસિએશને પોતાના નિવેદનમાં જણાવ્યું કે દરેક યુગમાં અલગ-અલગ સ્ટાર્સ હોય છે, જેમણે પોતાની મહેનતથી ઓળખ બનાવી છે. રાજેશ ખન્નાથી લઈને શાહરૂખ ખાન અને આજના રણવીર સિંહ સુધી દરેકે પોતાના સમયનું પ્રતિનિધિત્વ કર્યું છે. એ જ રીતે રાહુલ રોયે પણ 1990માં આવેલી ફિલ્મ ‘આશિકી’થી મોટી સફળતા મેળવી હતી અને તે સમયના લોકપ્રિય ચહેરા બન્યા હતા. એસોસિએશને ખાસ કરીને એ બાબત પર ભાર મૂક્યો કે કોઈપણ કલાકારની મજાક ઉડાવવી યોગ્ય નથી, ખાસ કરીને જ્યારે તે પોતાના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હોય. રાહુલ રોયે પણ આ મુદ્દે એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી, જેમાં તેમણે જણાવ્યું કે તેઓ પોતાના કામને ઈમાનદારી અને નમ્રતાથી કરે છે.

તેમણે લખ્યું કે તેમને કેટલાક કાનૂની મામલાઓ માટે પૈસા ચૂકવવાના છે, જે તેમની બ્રેઇન સ્ટ્રોક પહેલાંના છે. જો કોઈ તેમની સાદગી અથવા સંઘર્ષની મજાક કરે છે, તો તે તેમના વિશે ઓછું અને મજાક કરનાર વ્યક્તિ વિશે વધુ બતાવે છે. રાહુલ રોયે લોકોને અપીલ પણ કરી કે જો તેઓ ખરેખર ચિંતિત હોય, તો તેમને સારો કામ મળવામાં મદદ કરે. તેમણે કહ્યું કે તેઓ મહેનત કરીને કમાઈ રહ્યા છે અને એક્ટિવ રહેવું તેમના માટે જરૂરી છે, ખાસ કરીને બ્રેઇન સ્ટ્રોક બાદ. કામ તેઓ પોતાને સતત કાર્યરત રાખે છે, જેથી મગજ સતત સક્રિય રહે. આ મામલે AICWA એ એક મહત્વપૂર્ણ પગલું પણ લીધું છે. એસોસિએશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને 60 વર્ષથી વધુ ઉંમરના કલાકારો માટે પેન્શન અને મેડિકલ ઇન્સ્યોરન્સ શરૂ કરવાની માંગણી કરી છે. તેઓએ જણાવ્યું કે બોલિવૂડ અને અન્ય પ્રાદેશિક ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા સિનિયર કલાકારો ઉંમર વધતા કામની અછત અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરે છે.
એસોસિએશને બોલિવુડ ઇન્ડસ્ટ્રીને પણ અપીલ કરી છે કે રાહુલ રોય જેવા કલાકારોને સારા પ્રોજેક્ટ્સમાં તક આપવામાં આવે, જેથી તેઓ ફરીથી પોતાની કારકિર્દી મજબૂત બનાવી શકે. રાહુલ રોયને બોલિવુડના ઘણા જાણીતા કલાકારોનો પણ સપોર્ટ મળ્યો છે. ફિલ્મમેકર ફરાહ ખાને તેમને શુભેચ્છા આપી, જ્યારે અભિનેતા સોનુ સૂદે તેમને કીપ રોકિંગ બ્રધર કહીને ઉત્સાહ વધાર્યો. અનુપમ ખેરે પણ તેમને બેસ્ટ કહીને પ્રોત્સાહન આપ્યું. આ ઉપરાંત શિલ્પા શિરોડકરે જણાવ્યું કે લોકોને શું કહેવું છે તે કહેવા દો, આપણે આપણું કામ કરવું જોઈએ. અન્ય કલાકારો જેમ કે નિકિતિન ધીર, ટીના દત્તા, કરણવીર બોહરા અને માહિકા શર્માએ પણ રાહુલ રોય માટે પ્રાર્થના કરી અને તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. આ સમગ્ર ઘટના માત્ર એક અભિનેતા વિશે નથી, પરંતુ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિનિયર કલાકારોની સ્થિતિ પર પણ પ્રકાશ પાડે છે. આ મુદ્દે હવે ચર્ચા શરૂ થઈ છે કે આવા કલાકારોને વધુ સુરક્ષા અને સહાય મળવી જોઈએ.

