India

સુપ્રીમ કોર્ટથી કોંગ્રેસ નેતા પવન ખેડાને અગ્રિમ જામીન, પરંતુ પોલીસ બોલાવે ત્યારે થાનામાં હાજર રહેવું પડશે

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપતા આસામ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆર મામલે શરતી અગ્રિમ જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ એ.એસ. ચંદુરકરની ખંડપીઠે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ જણાવ્યું કે બંધારણના આર્ટિકલ 21 હેઠળ વ્યક્તિગત સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે અને તેને સહેલાઈથી જોખમમાં મૂકી શકાય નહીં. તેથી કોર્ટએ આસામ પોલીસની કસ્ટડીમાં પૂછપરછ કરવાની માંગને પણ નામંજૂર કરી હતી.આ કેસ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની પત્ની રિંકી ભુઇયાં શર્મા અંગે પવન ખેડાએ કરેલા નિવેદન સાથે જોડાયેલો છે. પવન ખેડાએ તેમના પાસે એકથી વધુ પાસપોર્ટ હોવાના તથા વિદેશમાં સંપત્તિ હોવાના આક્ષેપ કર્યા હતા, જેને લઈને રાજકીય વિવાદ ઊભો થયો હતો અને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા અગ્રિમ જામીન સાથે કેટલીક શરતો પણ લગાવવામાં આવી છે. જેમાં પવન ખેડાએ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવો પડશે તેમજ પોલીસ જ્યારે પણ પૂછપરછ માટે બોલાવે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું ફરજિયાત રહેશે. ઉપરાંત તેઓ કોઈપણ રીતે પુરાવાઓ સાથે છેડછાડ નહીં કરે અને કોર્ટની પરવાનગી વિના દેશ બહાર જઈ શકશે નહીં. ટ્રાયલ કોર્ટને જરૂર મુજબ વધારાની શરતો લાગુ કરવાની છૂટ પણ આપવામાં આવી છે.

આ પહેલા પવન ખેડાએ આસામની નીચલી કોર્ટ અને ગુવાહાટી હાઈકોર્ટમાં પણ અગ્રિમ જામીન માટે અરજી કરી હતી, પરંતુ ત્યાંથી તેમને રાહત મળી નહોતી. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, જ્યાંથી તેમને અંતે રાહત મળી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી હાલ માટે પવન ખેડાની ધરપકડ પર રોક લાગી છે, જોકે તપાસ પ્રક્રિયામાં તેમને પોલીસ સાથે સહકાર આપવો ફરજિયાત રહેશે.

Most Popular

To Top