કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો , ગ્રાહકો માટે મહત્વપૂર્ણ અપડેટ
દેશભરના LPG ગ્રાહકો માટે 1 મે 2026થી મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર અમલમાં આવ્યા છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા ગેસના યોગ્ય ઉપયોગ, પારદર્શિતા વધારવા અને ગેરવપરાશ અટકાવવા માટે આ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમોનો સીધો પ્રભાવ ઘરેલુ તેમજ વેપારી બંને પ્રકારના ગ્રાહકો પર પડશે.
નવી માર્ગદર્શિકા મુજબ હવે એક જ ઘર માટે એકસાથે LPG અને PNG બંને ગેસ કનેક્શન રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સરકારનો ઉદ્દેશ ગેસનો બિનજરૂરી ઉપયોગ અટકાવવાનો અને ઊર્જા સંસાધનોનું યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરવાનો છે. જો કોઈ ઘરમાં બંને કનેક્શન સક્રિય હશે, તો તેમને તેમાંમાંથી એક પસંદ કરવો પડશે. આ નિર્ણયથી ગેસ વિતરણ વ્યવસ્થામાં સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.તે ઉપરાંત LPG સિલિન્ડર બુકિંગના સમયગાળા અંગે પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે.
અગાઉ ગ્રાહકો ઓછા અંતરે ફરીથી સિલિન્ડર બુક કરી શકતા હતા, પરંતુ હવે બુકિંગ વચ્ચેનો સમયગાળો વધારવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે આ પગલાથી ગેસનું જથ્થાબંધ સંગ્રહ (હોર્ડિંગ) અને કાળાબજારી જેવી પ્રવૃત્તિઓને નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે અને જરૂરિયાતમંદ લોકોને સમયસર ગેસ ઉપલબ્ધ થઈ શકશે.આ સાથે કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ વધારો નોંધાયો છે. આ વધારાનો સીધો પ્રભાવ હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને નાના વેપારીઓ પર પડશે. પરિણામે બહાર મળતા ખાદ્ય પદાર્થોના ભાવમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે સામાન્ય લોકોના દૈનિક ખર્ચ પર અસર કરી શકે છે.
સરકારે ગ્રાહકોને સલાહ આપી છે કે તેઓ પોતાના LPG કનેક્શન સાથે જોડાયેલ મોબાઇલ નંબર અપડેટ રાખે અને બુકિંગ સંબંધિત નવી તારીખો તથા નિયમોની માહિતી માટે MyLPG પોર્ટલ અથવા પોતાની ગેસ એજન્સીનો સંપર્ક કરે.સરકારના જણાવ્યા મુજબ આ નવા નિયમોનો મુખ્ય હેતુ દેશભરમાં ગેસ વિતરણ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાનો, ઊર્જા સંસાધનોનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાનો અને તમામ ગ્રાહકોને સમયસર ગેસ ઉપલબ્ધ કરાવવાનો છે. તેથી LPG ગ્રાહકોને નવા નિયમો અંગે સજાગ રહી યોગ્ય રીતે ગેસ બુકિંગ અને ઉપયોગ કરવાની જરૂર રહેશે.