વડોદરા: શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય બાદ ભાજપ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં ભવ્ય વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકરો અને સમર્થકો જીતના ઉત્સાહમાં ઝૂમી રહ્યા હતા ત્યારે અચાનક દુઃખદ સમાચાર સામે આવ્યા.
ભાજપના શહેર મહામંત્રી લકુલેશ ત્રિવેદીના માતૃશ્રીના અવસાનના સમાચાર મળતા જ સમગ્ર માહોલ બદલાઈ ગયો. વિજયના ઉત્સવ વચ્ચે શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
આ સમાચાર મળતાં જ અનેક વરિષ્ઠ ભાજપ નેતાઓએ વિજય સરઘસ છોડીને સીધા જ મહામંત્રીના નિવાસસ્થાને પહોંચી શોક વ્યક્ત કર્યો અને પરિવારને સાંત્વના આપી.
એક તરફ ભવ્ય જીતનો ઉજાસ હતો તો બીજી તરફ આ અચાનક દુઃખદ ઘટના કારણે પક્ષમાં ગમગીની છવાઈ ગઈ હતી. ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.
આ રીતે વડોદરામાં જીતના જશ્ન વચ્ચે શોકની લાગણી જોવા મળી, જે ‘કભી ખુશી કભી ગમ’ જેવી પરિસ્થિતિ સર્જતી નજરે પડી.