36માંથી 21 બેઠકો સાથે નગરપાલિકામાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી, ભાજપ 15 બેઠકો સુધી સીમિત
તાલુકા પંચાયતની 20માંથી 17 અને જિલ્લા પંચાયતની ચારેય બેઠકો ભાજપના ખાતામાં
ડભોઇ:
ડભોઇ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં મિશ્ર રાજકીય ચિત્ર સામે આવ્યું છે. નગરપાલિકામાં કોંગ્રેસે 36માંથી 21 બેઠકો જીતતા સ્પષ્ટ બહુમતી મેળવી સત્તા કબજે કરી છે, જ્યારે ભાજપને 15 બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો છે. બીજી તરફ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકોમાં ભાજપે મજબૂત પ્રદર્શન કરતા પોતાનો દબદબો યથાવત રાખ્યો છે.
નગરપાલિકાની મતગણતરી સરકારી આઈ.ટી.આઈ.ના જૂના બિલ્ડિંગ ખાતે સવારે નવ વાગ્યાથી શરૂ થઈ હતી. વોર્ડવાર મતગણતરી આગળ વધતા કોંગ્રેસે સતત આગવું પ્રદર્શન નોંધાવ્યું હતું અને અંતે ભાજપના શાસનનો અંત આવ્યો હતો.
ચૂંટણીમાં સૌથી મોટો અપસેટ વોર્ડ નં. 02માં નોંધાયો હતો, જ્યાં ભાજપના પાલિકા પ્રમુખ બિરેન શાહ પરાજિત થયા હતા. સાથે જ કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર સુભાષભાઈ ભોજવાની પણ એ જ વોર્ડમાંથી હારી જતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા સર્જાઈ હતી. તાલુકા પંચાયતની ચર્ચાસ્પદ સાઠોડ બેઠક કોંગ્રેસે જીતતા સ્થાનિક સ્તરે આ પરિણામને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી ભાજપે 17 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસને 3 બેઠકો મળી છે. જિલ્લા પંચાયતની ચારેય બેઠકો પણ ભાજપના ખાતામાં જતા ગ્રામ્ય વિસ્તારમાં ભાજપની મજબૂત પકડ ફરી એકવાર સાબિત થઈ છે.
રાજકીય વિશ્લેષણ મુજબ નગરપાલિકામાં ભાજપની હાર પાછળ ઉમેદવારો નહીં પરંતુ છેલ્લા પાંચ વર્ષનો પાલિકાનો વહીવટ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે. વેપારીઓમાં અસંતોષ, ફેરિયાઓ અને લારી-ગલ્લાવાળાઓ સામેની કાર્યવાહી, દંડની નીતિ તેમજ સમાવિષ્ટ ચાર ગામોમાં રહેલો છુપો રોષ પરિણામ પર અસરકારક બન્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પરિણામ જાહેર થયા બાદ શહેરમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટર: સઈદ મન્સૂરી