Anand

કરમસદ – આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ 2માં ભાજપની પેનલનો વિજય

કિરણસિંહ પરમાર 6573 મતો સાથે વિજેતાઓમાં મોખરે; કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ
(પ્રતિનિધિ) આણંદ તા.28
કરમસદ – આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2026ની ચૂંટણીના જાહેર થયેલા સત્તાવાર પરિણામો મુજબ વોર્ડ નંબર 2માં ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ શાસન જાળવી રાખતા તમામ ચારેય બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલા આખરી પરિણામ પત્રક મુજબ, ભાજપની પેનલના ચારેય ઉમેદવારોએ વિરોધ પક્ષોને મ્હાત આપી જીત હાંસલ કરી છે.
કરમસદ – આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 2ની આ ચૂંટણીમાં મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. જોકે, મતદારોએ ભાજપ પર પોતાનો કળશ ઢોળ્યો છે.
બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવારોમાં કૈલાસબેન પરમારને 3527 અને મહેશભાઈ રાઠોડને 3334 મતો મળ્યા હતા, જે ભાજપના વિજેતા ઉમેદવારો કરતા ઘણા ઓછા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો કોઈ ખાસ પ્રભાવ પાડી શક્યા નથી, જેમાં વિજય જોષીને સૌથી વધુ 689 મતો મળ્યા છે. ચૂંટણીના આંકડાકીય વિશ્લેષણ મુજબ, વોર્ડ નંબર 2માં કુલ માન્ય મતોની સંખ્યા 38,804 રહી હતી. નોંધનીય છે કે 170 મતદારોએ ‘નોટા’ નો વિકલ્પ પસંદ કર્યો હતો.

વિજેતા ઉમેદવારોની વિગત :
કિરણસિંહ રામસિંહ પરમાર (ભાજપ): બિન અનામત બેઠક પર 6573 મતો મેળવી વિજેતા થયા છે.
મિતેશભાઈ બકુલચંદ્ર પટેલ (ભાજપ): બિન અનામત બેઠક પર 6249 મતો મેળવી વિજયી બન્યા છે.
દીપિકાબેન ભૂપેન્દ્રભાઈ પટેલ (ભાજપ): સામાન્ય સ્ત્રી માટેની અનામત બેઠક પર 6236 મતો સાથે જીત મેળવી છે.
હંસાબેન દીપકસિંહ ચૌહાણ (ભાજપ): અન્ય પછાત વર્ગોની સ્ત્રી માટેની અનામત બેઠક પર 5532 મતો મેળવી વિજેતા જાહેર થયા છે.

Most Popular

To Top