તાલુકા પંચાયતની 24માંથી 3 બેઠકો બિનહરીફ, બાકીની બેઠકો પર 56 ઉમેદવારો વચ્ચે જંગ
148 તાલુકા પંચાયત અને 174 જિલ્લા પંચાયત મતદાન મથકો પર ઇવીએમ ફાળવણી પૂર્ણ
હાલોલ, તા. 25 (
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાલોલ તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તાલુકા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી કંજરી, સાથરોટા અને ઘનશર બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જ્યારે બાકીની 21 બેઠકો માટે 56 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જામવાની છે. જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે 15 ઉમેદવારો મેદાનમાં હોવાથી અહીં ત્રિપક્ષીય મુકાબલો જોવા મળી રહ્યો છે.

ચૂંટણી પૂર્વે શનિવારે વહેલી સવારથી હાલોલના ગોધરા રોડ સ્થિત વી.એમ. શાહ સ્કૂલ કેમ્પસ પરથી તમામ મતદાન મથકો માટે ઇવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતની 21 બેઠકો માટે 148 મતદાન મથકો પર 148 ઇવીએમ મશીનો તથા જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે 174 મતદાન મથકો પર 174 ઇવીએમ મશીનો ફાળવવામાં આવ્યા હતા. મતદાન મથકોના કર્મચારીઓ ઇવીએમ મશીનો સાથે પોતાના નિર્ધારિત બુથ પર રવાના થયા હતા.

26 એપ્રિલે યોજાનાર મતદાનને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સત્તાવાર પ્રચાર પૂર્ણ થયા બાદ પણ કેટલાક ઉમેદવારો દ્વારા અંતિમ તબક્કામાં મતદારો સુધી પહોંચવા ખાનગી બેઠકો યોજાઈ રહી હોવાની ચર્ચા સ્થાનિક સ્તરે ચાલી રહી છે. ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ