Vadodara

લેન્સકાર્ટ સામે વિરોધનો વંટોળ, વડોદરા ઓપ્ટિકલ એસોસિએશન દ્વારા ‘બોયકોટ’નું એલાન

હિન્દુ-મુસ્લિમ વેપારીઓ એક સાથે, ધાર્મિક પ્રતીકોના અપમાનના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ

(પ્રતિનિધિ), વડોદરા. તા.23

વડોદરા સહિત સમગ્ર દેશમાં ઓપ્ટિકલ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં લેન્સકાર્ટ કંપની વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લેન્સકાર્ટ દ્વારા શરૂ કરવામાં આવેલા એક કથિત વિવાદિત અભિયાનમાં હિન્દુ ધાર્મિક પ્રતીકો જેવા કે તિલક, સિંદૂર અને કલાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે, વડોદરા ઓપ્ટિકલ એસોસિએશને મોરચો માંડ્યો છે. આ મામલે ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થતો હોવાનું જણાવી વેપારીઓએ કંપનીના બહિષ્કારનો નિર્ણય લીધો છે.

આજે વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલા સનરાઈઝ કોમ્પ્લેક્સ નજીક ઓપ્ટિકલ એસોસિએશનના હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના વેપારીઓ એકત્ર થયા હતા. વેપારીઓએ હાથમાં પ્લેકાર્ડ લઈને કંપનીની નીતિઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. “ધાર્મિક ભાવનાઓ સાથે ચેડાં નહીં ચાલે” અને “લેન્સકાર્ટ કંપનીનો બહિષ્કાર કરો” તેવા નારાઓ સાથે રાવપુરા રોડ વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

વડોદરા ઓપ્ટિકલ એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે, જ્યાં તમામ ધર્મોનું સન્માન થાય છે. લેન્સકાર્ટ કંપની દ્વારા જે પ્રકારનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તે સમાજમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું દુષ્ટ કૃત્ય છે. એસોસિએશને સ્પષ્ટ કર્યું હતું કે, આ માત્ર વેપારનો વિષય નથી, પરંતુ દેશની એકતા અને ધાર્મિક આસ્થા પરનો પ્રહાર છે.

વિરોધ દરમિયાન વેપારીઓએ એકસૂરે જણાવ્યું હતું કે, જ્યાં સુધી સરકાર આ બાબતે સત્તાવાર પરિપત્ર બહાર પાડીને કંપની વિરુદ્ધ કાયદેસરના કડક પગલાં નહીં લે, ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે. આગામી દિવસોમાં ‘લેન્સકાર્ટ બોયકોટ’ અભિયાનને વધુ વેગ આપવામાં આવશે અને વિવિધ કાર્યક્રમો દ્વારા કંપનીની નીતિઓને જનતા સમક્ષ ખુલ્લી પાડવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના માહોલ વચ્ચે આ વિવાદ વધુ ઘેરો બનવાની શક્યતા સેવાઈ રહી છે. રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ આ ઘટના ચર્ચાનો વિષય બની છે, ત્યારે વહીવટી તંત્ર આ મામલે શું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.

Most Popular

To Top