Charotar

ડાકોર અને આસપાસના પંથકમાં મોટા અવાજ સાથે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો

બપોરે 4:35 કલાકે 3.4 ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા વજેવાલ ગામ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું

(પ્રતિનિધિ) નડિયાદ, તા.22
યાત્રાધામ ડાકોર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરના સુમારે અચાનક ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. મોટા અવાજ સાથે ધરતી ધ્રુજી ઉઠતા લોકો પોતાના ઘરો અને દુકાનોમાંથી બહાર ખુલ્લામાં દોડી આવ્યા હતા. વજેવાલ ગામ નજીક આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે.
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર અને તેના આસપાસના ગ્રામ્ય પંથકમાં આજે બપોરે અચાનક ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરે 4:35 કલાકે એકાએક જમીનમાં ધ્રુજારી શરૂ થતા અને સાથે મોટો અવાજ આવતા લોકોમાં ગભરાહટ ફેલાઈ ગયો હતો. અચાનક આવેલા આ કુદરતી પ્રકોપને કારણે ઘરમાં આરામ કરી રહેલા લોકો અને બજારમાં ખરીદી કરી રહેલા લોકો જીવ બચાવવા માટે ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર દોડી આવ્યા હતા. આજુબાજુના વિસ્તારોમાં પણ આ ધ્રુજારીનો અહેસાસ થતા લોકો એકબીજાને ફોન કરીને પરિસ્થિતિનો તાગ મેળવતા જોવા મળ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 નોંધાઈ છે. આ ભૂકંપનો વ્યાપ ડાકોર પૂરતો સીમિત ન રહેતા આસપાસના કાલસર આગરવા અને નેશ કાલસર સહિતના અનેક નાના મોટા ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનુભવાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનોમાં રહેતા લોકોમાં ભૂકંપના મોટા અવાજને કારણે ભયનો માહોલ સર્જાયો હતો. ધરતીમાં થયેલા આ કંપનને પગલે પશુ પક્ષીઓમાં પણ ગભરાહટ જોવા મળ્યો હતો અને લોકો લાંબા સમય સુધી પોતાના ઘરમાં પરત ફરતા ડરી રહ્યા હતા.
સિસ્મોલોજી વિભાગ દ્વારા નોંધાયેલી વિગતો મુજબ આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ડાકોર નજીક આવેલા વજેવાલ ગામ ખાતે નોંધવામાં આવ્યું છે. કેન્દ્ર બિંદુ નજીક હોવાથી ડાકોર અને આસપાસના વિસ્તારોમાં આંચકાની અસર વધુ તીવ્રતાથી વર્તાઈ હતી. જોકે સદનસીબે આ ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. વહીવટી તંત્ર દ્વારા પણ આ ઘટના અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે અને લોકોને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.

Most Popular

To Top