Vadodara

વડોદરા જિલ્લા ભાજપમાં ફંડ મુદ્દે અસંતોષની ચર્ચા: ઉમેદવારોને સહાય નહીં મળ્યાનો કાર્યકરોમાં ગણગણાટ


મુખ્યમંત્રીની સભા માટે પણ ખર્ચ ન થતાં કાર્યકરોમાં નારાજગી; સંગઠનના હોદ્દેદારો પોતાના ગજવાં ભરવામાં વ્યસ્ત હોવાના આક્ષેપોની ચર્ચા તેજ
વડોદરા:
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં વડોદરા જિલ્લા ભાજપ સંગઠનમાં આંતરિક અસંતોષની ચર્ચાઓ જોર પકડી રહી છે. વિવિધ વિસ્તારોમાંથી મળતી માહિતી મુજબ અનેક ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે પક્ષ તરફથી અપેક્ષિત આર્થિક સહાય મળતી નથી તેવી ચર્ચા કાર્યકરોમાં ચાલી રહી છે. પરિણામે ઘણા ઉમેદવારોને પોતાના વ્યક્તિગત ખર્ચે જ પ્રચાર ચલાવવો પડી રહ્યો હોવાનું કહેવામાં આવે છે.
કાર્યકરોના વર્તુળોમાં એવી પણ ગણગણાટ છે કે તાજેતરમાં યોજાયેલી મુખ્યમંત્રીની સભામાં લોકોની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવા માટે પણ સંગઠન તરફથી કોઈ ખાસ ખર્ચ કરવામાં આવ્યો નહોતો. જેના કારણે અપેક્ષિત ભીડ એકત્ર નહીં થતાં સ્થાનિક સ્તરે કાર્યરત કાર્યકરોમાં નિરાશા અને અસંતોષનો માહોલ જોવા મળ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો પ્રદેશમાં પણ આ વાતની નોંધ લેવાઈ છે.

કેટલાક કાર્યકરોનું માનવું છે કે સંગઠનના કેટલાક હોદ્દેદારો ચૂંટણી સમયે કાર્યકરો અને ઉમેદવારોને મજબૂત બનાવવાના બદલે પોતાના ગજવાં ભરવામાં વધુ વ્યસ્ત હોવાનું લાગી રહ્યું છે. જોકે આ મુદ્દે સત્તાવાર રીતે કોઈ નિવેદન સામે આવ્યું નથી, છતાં તળિયાના સ્તરે અસંતોષ વધતો હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે.
રાજકીય નિરીક્ષકોના મતે, ચૂંટણીના સંવેદનશીલ સમયમાં આવા પ્રકારની આંતરિક અસંતોષની ચર્ચાઓ પક્ષની ચૂંટણી કામગીરી પર અસર કરી શકે છે. હાલ આ મુદ્દે પક્ષના જવાબદાર હોદ્દેદારો તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી.

Most Popular

To Top