Comments

કોઈ અપમાન કરે ત્યારે

રસ્તા પર એક વૃધ્ધ દાદા હાથમાં થેલી લઈને શાક લેવા નીકળ્યા હતા અને બરાબર ભાવતાલ કરાવીને શાક લઇ રહ્યા હતા. દાદા એક ફળોની દુકાન પાસે ઊભા રહ્યા અને કેરીનો ભાવ પૂછ્યો… ફળવાળાએ પહેલા કઈ જવાબ ન આપ્યો…દાદાએ ફરી ફરી ભાવ પૂછ્યો એટલે ફળવાળાએ ઉડાઉ જવાબ આપ્યો, ‘દાદા બહુ મોંઘી છે જાવ ૧૫ દિવસ પછી આવજો.’ દાદાએ કહ્યું, ‘ભાઈ પણ ભાવ શું છે ??’ ફળવાળાએ ગુસ્સામાં અપમાન કરતા કહ્યું, ‘દાદા ૧૫૦૦ રૂપિયાની એક ડઝન છે હવે આગળ જાવ સમય ખોટી ન કરો તમને નહિ પોસાય…’ દાદાએ કહ્યું, ‘ભાઈ છ ડઝન લેવી હતો પણ હવે રહેવા દે…’

આટલું કહીને દાદા આગળ વધી ગયા ફળવાળો જોતો રહી ગયો…ત્યાં દાદી બાજુમાં ઊભેલા એક બહેન ફળવાળા પર ગુસ્સે થઈને ખીજાયા કે ‘આ કઈ ઘરાક સાથે વાત કરવાની રીત છે’ અને પોતે પણ આગળ વધી પેલા દાદાની સાથે થઈ ગયા. દાદા પાસે પહોંચીને તેમણે કહ્યું, ‘દાદા તમને ગુસ્સો આવ્યો હશે ને..પેલા કેરી વેચતા ફળવાળાએ  તમારું અપમાન કર્યું.’ દાદા હસ્યા અને બોલ્યા, ‘જો બહેન કોઈ માન ન રાખે બરાબર જવાબ ન આપે તો તેને હું અપમાન ગણતો નથી તેને હું માહિતી ગણું છું.’

બહેન બોલ્યા, ‘કોઈ માન ન રાખે એમાં માહિતી શું મળે ??’ દાદાએ કહ્યું, ‘જો કોઈ તમારું માન ન જાળવે અને અપમાનજનક રીતે વાત કરે એટલે સમજવું કે તમારી સામે ઉભેલું તમારી સાથે વાત કરી રહેલા વ્યક્તિનું ચરિત્ર નિમ્ન કક્ષાનું છે…તેની સાથે વાત કરવામાં માલ નથી…તે બધાને પોતાનીથી ઉતરતા ગણે છે અને તે આવું કરે છે કારણ કે તેની અંદર ભારોભાર અસુરક્ષા ભરેલી છે.’ બહેન દાદાની વાત સાંભળી રહ્યા હતા તેમણે કહ્યું, ‘દાદા, પણ તમે અપમાનનો બરાબર જવાબ કેમ ન આપ્યો.શું કામ શાંતિથી આગળ વધી ગયા મેં તો તેને બરાબરનું સંભળાવ્યું આખો દિવસ યાદ રાખશે.’

દાદા બોલ્યા, ‘શું કામ બહેન તે તારી શક્તિ વેડફી …આવા લોકો વાતચીત કરવાને લાયક હોતા જ નથી.બીજાને ઉતારી પાડી અપમાન કરતા લોકો,સારા માણસો અને આપના માણસો હોતા જ નથી તેઓ જ્યાં હોય ત્યાંથી તો એકપણ શબ્દ બોલ્યા વિના,આગળ વધીને દુર જ જતા રહેવું સારું.જ્યાં તમારું અપમાન થાય તેને આઘાત કે ઘા ના ગણો તેને ઈશારો ઘણો કે અહીંથી આ ખોટા માણસોથી દૂરની દિશામાં આગળ વધી જવું જ હિતાવહ છે.’ દાદા પેલા બહેનને જીવનની સમજ આપી આગળ વધી ગયા.

Most Popular

To Top