Columns

મધ્ય પ્રદેશનાં વનવાસીઓ કેન-બેટવા નદીઓને જોડવાનો કેમ વિરોધ કરી રહ્યાં છે?

જો જંગલ વિસ્તારમાં વિકાસની કોઈ યોજનાનો અમલ થતો હોય તો તેનો સૌથી વધુ ફાયદો જંગલમાં અથવા તેની નજીક રહેતાં લોકોને થવો જોઈએ. જો તેમને ખરેખર ફાયદો થતો હોય તો તેઓ તે યોજનાનો વિરોધ કરે તે સંભવિત નથી; પણ વનવાસીઓ કોઈ યોજનાનો વિરોધ કરે ત્યારે સમજી લેવું કે યોજનાનો ફાયદો કોઈ બીજાને થવાનો છે. મધ્ય પ્રદેશમાં આવેલી કેન અને બેટવા નદીને જોડવાની યોજનાનો હાલમાં ત્યાંના વનવાસીઓ દ્વારા પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. કેટલાંક વનવાસીઓ આ યોજનાના વિરોધમાં આમરણ અનશન ઉપર ઊતર્યાં છે. વિરોધ કરવા માટે તેમણે નદીની વચ્ચે જ પોતાની ઠાઠડીઓ બનાવી છે અને તેમની ઉપર સૂઈ ગયા છે. આ વિરોધ એટલો પ્રચંડ છે કે સરકારને ધૌદાન ગામ નજીક ચાલતું બંધનું કામ બંધ રાખવાની ફરજ પડી છે.

મધ્ય પ્રદેશમાં આવેલી કેન અને ઉત્તર પ્રદેશમાં આવેલી બેટવા બે નદીઓ છે. આ નદીઓ આગળ જતાં ચંબલ નદીને મળે છે અને ચંબલ નદી યમુનાને જઈ મળે છે. ભારત સરકારના કેન-બેટવા લિંક પ્રોજેક્ટ વિશે ચર્ચાઓ સૌ પ્રથમ ૧૯૯૫ માં શરૂ થઈ હતી અને તેની અંતર્ગત ધૌદાન ગામે મોટો બંધ બાંધવાનું નક્કી થયું હતું. મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની સરકારે ૨૦૦૫માં એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ, ૨૫ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

આ નદી જોડાણ પ્રોજેક્ટ પર આશરે ૪૪,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આનાથી મધ્યપ્રદેશના છતરપુર અને પન્ના જિલ્લાનાં ૨૧ ગામો ડૂબી જશે. અંદાજે ૭,૦૦૦ પરિવારો વિસ્થાપિત થશે. ભારત સરકારના દાવા મુજબ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના આશરે ૧૩ જિલ્લાઓને કેન-બેટવા લિન્ક પ્રોજેક્ટનો લાભ મળશે. તેમાં ૧૧ લાખ હેક્ટર જમીનને સિંચાઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, ૬૨ લાખ લોકોને પીવાનું પાણી મળશે અને વધુમાં ૧૦૦ મેગાવોટથી વધુ વીજળી ઉત્પન્ન થશે, તેવો સરકારનો દાવો છે. તેની સામે જે ૭,૦૦૦ પરિવારો વિસ્થાપિત થવાનાં છે, તેમની જિંદગી પાયમાલ થઈ જવાનો ભય છે.

છતરપુર જિલ્લાના ધૌદાન ગામમાં ૨૦ વર્ષીય બબીતા, તેનો પરિવાર અને એક ડઝનથી વધુ ગામોનાં હજારો રહેવાસીઓ છેલ્લા ૧૨ દિવસથી વિરોધ કરી રહ્યા છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી લગભગ ૪૫૦ કિલોમીટર દૂર કેન નદીના કિનારે બેઠેલી ૨૦ વર્ષીય બબીતા ​​આહિરવાર કહે છે કે અમને ઘરના બદલામાં ઘર, જમીનના બદલામાં જમીન અને ગામડાંના બદલામાં ગામ જોઈએ છે. ૧૭ એપ્રિલના રોજ વિરોધ કરી રહેલાં ગ્રામજનો અને વહીવટી અધિકારીઓ વચ્ચેની વાતચીત બાદ વિરોધ ૧૦ દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યો હોવા છતાં ગ્રામજનો કહે છે કે જો ૧૦ દિવસમાં કોઈ ઉકેલ નહીં આવે તો તેઓ વધુ મોટા પાયે વિરોધ શરૂ કરશે.

તેમનો આરોપ છે કે વિસ્થાપન માટે તેમને જે વળતર મળી રહ્યું છે તે પૂરતું નથી અને તેમને જે વળતર મળી રહ્યું છે તેના માટે પણ તેમની પાસેથી લાંચ માંગવામાં આવી રહી છે. છતરપુર જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે કેન-બેટવા પ્રોજેક્ટથી પ્રભાવિત લોકો હાલમાં બાંધકામમાં વિક્ષેપ પાડી રહ્યાં છે. વળતરવિતરણ અંગે ગ્રામજનોની કોઈ પણ ફરિયાદનો ઉકેલ લાવવા વહીવટીતંત્ર તૈયાર છે. અત્યાર સુધીમાં અમે ૬૫૦-૭૦૦  કરોડ રૂપિયાના વળતરનું વિતરણ કર્યું છે. જો કે, વિરોધ કરી રહેલાં ગ્રામજનોનો આરોપ છે કે વહીવટી અધિકારીઓ તેમનો સંપર્ક પણ કરી રહ્યા નથી.

જો કે, બબીતા માટે ભવિષ્યનાં વચનો કરતાં આજના જીવનની ચિંતાઓ વધુ મહત્ત્વની છે.  બબીતાએ કહ્યું કે જો અમે આજે આ જમીન છોડી દઈશું, તો અમારી પાસે કંઈ જ નહીં રહે. સરકારે અમારાં ઘરની કિંમત માત્ર ૪૦,૦૦૦ રૂપિયા આંકી છે. અમને જમીન માટે કોઈ ચુકવણી મળી નથી. અમારા તાત્કાલિક વિસ્થાપન માટે અમને કોઈ રાહત પૈસા પણ મળ્યા નથી. અમે અહીંથી ક્યાં જઈશું? ગ્રામજનોની ભીડમાં ઊભા રહીને ૪૨ વર્ષીય સુન્નીબાઈ આહિરવાર કહે છે કે અમે બધું જ છોડવા તૈયાર છીએ. સરકાર અમારાં ઘર, જમીન, ગામ છીનવી શકે છે, પરંતુ પહેલાં અમને કહો કે અમારે ક્યાં જવું જોઈએ. અમે મતદાન કરીને સરકાર બનાવી છે.

હવે અમે ૧૦ દિવસથી અમારાં નાનાં બાળકો સાથે આ તડકામાં બેઠાં છીએ, પરંતુ કોઈ અમારી સાથે વાત કરવા પણ તૈયાર નથી. સુન્નીબાઈ કહે છે કે તેમના પરિવારમાં છ લોકો છે, જેમાંથી કોઈને પણ વળતર મળ્યું નથી. અમે અમારી જીવનભરની બચતના ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કરીને અમારું ઘર બનાવ્યું છે. જ્યારે સરકારે તે ઘરની કિંમત નક્કી કરી, ત્યારે તેમણે અમને ૪ લાખ રૂપિયા આપ્યા છે. હવે  જો અમે આ ગામની બહાર જઈને ક્યાંય પણ જમીન ખરીદીશું, તો ઓછામાં ઓછા ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ થશે. તો પછી અમે તેના પર ઘર કેવી રીતે બનાવીશું? કે શું સરકાર ઇચ્છે છે કે અમે ખાડો ખોદીને તેમાં રહીએ? આવી જ કથા વિસ્થાપિત થનારાં ૭,૦૦૦ પરિવારોની છે.

કેન-બેટવા નદીજોડાણ પ્રોજેક્ટ લાંબા સમયથી પ્રશ્નોથી ઘેરાયેલો છે. પ્રોજેક્ટની શરૂઆતથી ગ્રામજનોએ વિસ્થાપનનો ડેટા એકત્રિત કરવાની પદ્ધતિઓ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. ગામલોકોનો આરોપ છે કે વળતરની રકમ મેળવવા માટે જુદા જુદા અધિકારીઓ તેમની પાસેથી લાંચ માંગી રહ્યા છે. ધૌદાન ગામના તુલસી આદિવાસીએ કહ્યું કે સરકારે મારા ઘર માટે ૪૬,૦૦૦ રૂપિયાની કિંમત જણાવી હતી. મને ખબર નથી કે મેં તે મેળવવા માટે સરકારી કચેરીઓ અને અધિકારીઓની કેટલી વાર મુલાકાત લીધી છે. મને પૈસા મળ્યા નથી. ઘણાં લોકો એવાં છે જેમણે લાંચ આપીને વળતરના પૈસા લીધા છે.

આ પ્રોજેક્ટથી પ્રભાવિત પાલકુહાન ગામના ભૂતપૂર્વ સરપંચ ૬૬ વર્ષીય ચુરાએ આરોપ લગાવ્યો કે ગ્રામ સચિવ, તહસીલદાર, પટવારી અને અન્ય અધિકારીઓ વળતરના નામે ખુલ્લેઆમ લાંચ માંગી રહ્યા છે. અમે અમારા હકના પૈસામાંથી એક પૈસો પણ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સરકાર પહેલાંથી જ વળતરના નામે અમને ખૂબ જ ઓછી રકમ આપી રહી છે. જો અમે તેમાં પણ લાંચ આપીશું, તો અમારી પાસે શું બચશે? 

કેન-બેટવા પ્રોજેક્ટ હેઠળ ધૌદાન ગામમાં બાંધવામાં આવી રહેલા બંધનું કામ છેલ્લા ૧૨ દિવસથી સંપૂર્ણપણે બંધ છે. આ પ્રોજેક્ટથી માત્ર વળતર અને વિસ્થાપનના મુદ્દાઓ જ નહીં પરંતુ પર્યાવરણીય ચિંતાઓ પણ ઊભી થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પન્ના ટાઇગર રિઝર્વ સહિત નજીકના સંરક્ષિત વિસ્તારોને અસર કરશે અને મોટી સંખ્યામાં વૃક્ષો કાપવામાં આવશે અથવા ડૂબી જશે તેવી શક્યતા છે.

૨૦૧૯ માં સુપ્રીમ કોર્ટની એક સમિતિએ અહેવાલ આપ્યો હતો કે પ્રોજેક્ટમાં પન્ના ટાઇગર રિઝર્વ પર તેની સંભવિત અસર પર પૂરતો વિચાર કરવામાં આવ્યો નથી. આ મામલો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ પણ પેન્ડિંગ છે. પર્યાવરણવિદ્ અમિત ભટનાગર પણ આ ચળવળનો એક ભાગ છે. અમિત કહે છે કે શરૂઆતમાં ગ્રામજનો આ પ્રોજેક્ટનો જ વિરોધ કરતા હતા, પરંતુ ધીમે ધીમે તેમનો વિરોધ વિસ્થાપનમાં ગંભીર અનિયમિતતાઓ તરફ વળી ગયો છે. લોકોનાં ઘરો અને જમીનની કિંમત માત્ર થોડા હજાર રૂપિયા આંકવામાં આવી હતી.

સરકાર એ સમજવા માંગતી નથી કે વિસ્થાપન ફક્ત ઘર બદલવા વિશે નથી. એક આખો સમુદાય, સમાજ અને ઇકોસિસ્ટમ નાશ પામે છે. આવી સ્થિતિમાં સરકારે અસરગ્રસ્ત લોકો પ્રત્યે થોડું સંવેદનશીલ રહેવું જોઈએ, જે બિલકુલ નથી. તેના બદલે તે બળનો ઉપયોગ કરીને કામ પૂર્ણ કરવા માંગે છે. રસપ્રદ વાત એ છે કે જે લોકોને પોતાનાં ઘર, ગામ અને જમીન છોડીને બીજે ક્યાંક જવાની ફરજ પડી છે, તેમનું જીવન અત્યાર સુધી મૂળભૂત સુવિધાઓથી પણ વંચિત રહ્યું છે. હવે આ પ્રોજેક્ટ શરૂ થયા પછી તેઓ અસ્તિત્વ ટકાવી રાખવાના પડકારનો સામનો કરી રહ્યા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top