ગાંધીનગર,
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) કેડરની ભરતી પ્રક્રિયા અંતર્ગત આજે 19 એપ્રિલ, 2026ના રોજ રાજ્યભરમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. 858 જગ્યાઓ માટે ચાલી રહેલી આ ભરતીમાં શારીરિક કસોટી પાર કરનાર કુલ 1,10,665 ઉમેદવારો આજે પરીક્ષા માટે હાજર રહ્યા હતા.
પોલીસ ભરતી બોર્ડના જણાવ્યા અનુસાર, PSI કેડરની પેપર-1 અને પેપર-2ની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવી હતી. પ્રથમ પેપર સવારે 9:30થી 12:30 વાગ્યા સુધી જ્યારે બીજું પેપર બપોરે 3થી 6 વાગ્યા સુધી યોજાયું હતું.રાજ્યભરમાં કુલ 371 જેટલી શાળાઓમાં પરીક્ષા કેન્દ્રો ગોઠવવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ, રાજકોટ સહિત મુખ્ય ચાર શહેરોમાં મોટા પાયે ઉમેદવારો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.આ ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી પાર કરનાર 74,591 પુરુષ ઉમેદવારો અને 36,074 મહિલા ઉમેદવારો મળી કુલ 1.10 લાખથી વધુ ઉમેદવારો લેખિત પરીક્ષા માટે લાયક ઠર્યા હતા.
પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉમેદવારોને નિષ્પક્ષ અને પારદર્શક રીતે પરીક્ષા આપી શકે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.રાજ્યભરમાં એક સાથે યોજાયેલી આ પરીક્ષાને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે લેખિત પરીક્ષાના પરિણામ બાદ આગળની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.