અમેરિકા-ઇરાન-ઇઝરાયલ જંગને કારણે આજે સમગ્ર વિશ્વ ઊંચા શ્વાસે જીવે છે, જાણે કે, સર્વનાશની મહાન ભયાનક ખીણની ધાર ઉપર આવીને જગત આખુંય ઊભું રહી ગયું. એક નાનકડો આંચકો પણ એ હવે ખમી શકે તેમ નથી. એક બાજુ નેત્યનાહુ જેવો વિકૃત અને ખૂની માનસિકતા ધરાવતો યહૂદી વડાપ્રધાન છે, તેને માટે યુદ્ધ પૂરું થાય તો જેલના સળિયા પાછળ ધકેલાઈ જવાનું નક્કી છે. બીજે બધેથી તો ઠીક પણ જમણેરી કટ્ટરતાવાદી માનસ ધરાવતા એના દેશ ઇઝરાયલમાંથી પણ હવે નેત્યનાહુ માટે અણગમાના સૂર ઉઠવા માંડ્યા છે. બીજી બાજુ ટ્રમ્પ છે, એક એવી વિકૃત અને પાશવી મનોવૃત્તિનો માણસ જે એના ચમચાઓ સાથે યુદ્ધના ચઢાવ-ઉતારને ધાર્યા પ્રમાણેનો વળાંક આપી દુનિયાભરના શૅરબજારોમાં ઉથલપાથલ કરાવે છે અને અબજો ડૉલરની કમાણી કરતા હોવાનો આ લોકો સામે આક્ષેપ છે.
કહેવાય છે કે, આ સટોડિયા અને તરંગી માણસ ડોનાલ્ડ ટ્રમ્પનો હાથ પકડીને લોહીભૂખ્યો નેત્યનાહુ એને યુદ્ધમાં ઘસડી ગયો જેના પરિણામો આજે અમેરિકાની ઇજ્જન-આબરૂના લીરેલીરા ઊડી ગયા છે. આ યુદ્ધને કારણે ઇસ્લામિક જગતનું અતિ સમૃદ્ધ અને નેતૃત્વ કરનાર રાજ્ય સાઉદી અરેબિયા આવા કપરા સમયે નેતૃત્વ પૂરી પાડવાની તેની અશક્તિના કારણે વામણું પુરવાર થયું છે. અતિ સમૃદ્ધ એવા આ દેશની પણ ઇસ્લામિક જગતમાં આબરૂ એવા તો ફૂટ્યા ઢોલે ઢિબાઈ છે કે પાકિસ્તાન જેવો દેશ એના સામે વિશ્વફલક પર અમેરિકા અને ઇરાનના મધ્યસ્થી તરીકે ઉપસ્યો છે. બરાબર આજ રીતે વર્ષો સુધી એક કુશાસિત ટેકનોસેવી, સલામત અને આધુનિકતમ આંતરમાળખાકીય સવલતોથી સુસજ્જ યુએઈ અને દુબાઈ અને ત્યાર બાદ શાહજાહ સિંગાપુરને પાછળ હડસેલીને વિશ્વ આખામાં વ્યાપાર-ધંધા માટે પ્રથમ પસંદગીના સ્થળ તરીકે ઉપસ્યા હતા એની પણ ઇજ્જત-આબરૂના ઢોલ પીટાઈ ગયા છે.
એક ઇઝરાયલ અને એના દોરાયા ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનમાં તો વિનાશ વેર્યો, દુનિયાભરના પાંચ ડઝન કરતાં વધુ દેશો નેત્યનાહુને આ નરસંહાર માટે જવાબદાર ગણી ‘વૉર ક્રિમિનલ – યુદ્ધ ગુનેગાર‘ તરીકે વિશ્વ અદાલત સમક્ષ ખડો કરવા માગે છે ત્યારે હજુ પણ નેત્યનાહુને યુદ્ધ સળગતું રહે તેવા અભરખા પૂરા કરવા છે. આ એક વ્યક્તિના કારણે બીજા વિશ્વયુદ્ધમાં હિટલર અને નાઝીવાદીઓએ યહૂદી કોમ ઉપર જે અત્યાચારો ગુજાર્યા તેને કારણે યહૂદીઓ માટે જે લાગણી અને સહાનુભૂતિ પ્રવર્તતી હતી એ નેત્યનાહુને કારણે આજે તિરસ્કારમાં ફેરવાઈ ગઈ.
હોર્મુઝની સામુદ્રધૂનીમાં એક એક નવો દિવસ નવી સમસ્યા લઈને ઊગે છે. જોકે અમેરિકા અને ઇરાન વચ્ચેની મંત્રણાઓનો તખતો ગોઠવાયો છે. આ આખીયે કવાયતને પાકિસ્તાન તરફી વલણ અખત્યાર કરીને ચીન તેમજ તુર્કી છુપા આશીર્વાદ આપી રહ્યા છે. રશિયા પણ યુદ્ધવિરામની તરફેણમાં છે તેવે સમયે દૂધપાકના તપેલામાં લીંબુંનાં બે ટીપાં નિચોવી આખો ઘાણ બગાડી નાખવા માટે નેત્યનાહુ નામનો ન૨રાક્ષસ હજુ પણ ધમપછાડા કરી રહ્યો છે.
નેત્યનાહુ માત્ર ઇરાન કે લેબેનોનનો દુશ્મન નથી, જગત આખાની માનવસંસ્કૃતિનો દુશ્મન છે. જો ઇરાન-અમેરિકા વચ્ચે મહાયુદ્ધ ફાટી નીકળે તો એમાં ઝંપલાવવા માટે યુએઈ પણ કૂદકા મારી રહ્યું છે, તેવા સંયોગોમાં નેત્યનાહૂ નામની એક જ વ્યક્તિ આજે આખી દુનિયા સામે એક મોટું અનિષ્ટ બનીને ઉભર્યો છે. પાકિસ્તાન સાથે અન્ય ઘણા બધા મુદ્દે ઘણા બધા મતભેદો અને કટૂતા હોઈ શકે પણ નેત્યનાહૂને લાગેવળગે છે ત્યાં સુધી પાકિસ્તાનના વિદેશમંત્રીએ એને આ દુનિયા ઉપરનું સૌથી મોટામાં મોટું અનિષ્ટ ગણાવ્યો છે તે સર્વથા યોગ્ય છે, એમાં કોઈ શંકા નથી. જગત આખું ઊંચા શ્વાસે અમેરિકા-ઇરાન શાંતિવાર્તા આગળ વધે અને આપણો આ ગ્રહ સર્વનાશમાંથી બચી જાય તે માટે આતુર છે. આશા રાખીએ, મહાઅનિષ્ટ નેત્યનાહુનો અસ્ત થાય અને લાંબાગાળાની વિશ્વશાંતિનો ઉદય થાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.