Comments

ટ્રમ્પની બીજી મુદત: અમેરિકી લોકશાહીના પતનનો આલેખ

વ્યાવસાયિક ઇતિહાસકારોએ માનવજાતના ભાગ્યને ઘડવામાં વ્યક્તિઓની ભૂમિકાને ઓછી આંકવાની વૃત્તિ દાખવી છે. ઈ.એચ. કારે તેમના 1961ના પુસ્તક ‘વોટ ઈઝ હિસ્ટ્રી?’માં પ્રખ્યાત રીતે ‘બેડ કિંગ જોન અને ગુડ ક્વીન બેસ’ (ખરાબ રાજા જોન અને સારી રાણી બેસ) પ્રકારના ઇતિહાસલેખનની મજાક ઉડાવી હતી. હવે એ સાચું છે કે, કાર્લ માર્ક્સે એક વાર કહ્યું હતું તેમ, વ્યક્તિઓ તેમની પસંદગીના સંજોગોમાં ઇતિહાસ નથી બનાવતી. તેઓ પ્રવર્તમાન આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓ અને ખાસ કરીને (માર્ક્સના તર્ક મુજબ) ટેક્નોલોજી અને વર્ગ સંબંધોનો પ્રભાવ હોય છે. તેમ છતાં, પ્રસંગોપાત વ્યક્તિઓ ઇતિહાસ ઘડવામાં મહત્ત્વની અને નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે-સારા માટે અને ખાસ કરીને ખરાબ માટે. લેનિન વિના કદાચ સોવિયેત રાજ્ય ન હોત અને હિટલર વિના ચોક્કસપણે નાઝી રાજ્ય ન હોત.

અમેરિકા પર ટ્રમ્પનો પ્રથમ હુમલો સરકારની અંદર નિર્ણય લેવાની પ્રક્રિયા પર થયો છે. જો કે વેસ્ટમિન્સ્ટર પ્રણાલી હેઠળ વડા પ્રધાન કરતાં અમેરિકન રાષ્ટ્રપતિ તક્નિકી રીતે વધુ શક્તિશાળી હોય છે, તેમ છતાં તેઓ અન્ય લોકો સાથે સક્રિયપણે પરામર્શ કરવા માટે બંધાયેલા હોય છે. જો કે, ટ્રમ્પે કોંગ્રેસ અને ઘણી વાર પોતાની કેબિનેટને પણ બાયપાસ કરીને એકપક્ષીય રીતે કાર્ય કરવાનું પસંદ કર્યું છે.

જરા વિચાર કરો કે, રાષ્ટ્રપતિ તરીકેના તેમના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં ટ્રમ્પે 225 જેટલા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ (કારોબારી આદેશો) પસાર કર્યા. આમાંના કેટલાક ઓર્ડર્સના વિનાશક પરિણામો આવ્યાં છે. જેમ કે, મહત્ત્વપૂર્ણ સરકારી વિભાગો બંધ કરવા અને મનસ્વી રીતે ટેરિફ દરો બદલવા. અન્ય આદેશો માત્ર હાસ્યાસ્પદ છે, જેમ કે ‘ફેડરલ ગવર્નમેન્ટમાં વોક એઆઈને અટકાવવા’ અને બીજો ‘અમેરિકાના ટ્રક ડ્રાઇવરો માટે રોડના સામાન્ય નિયમો લાગુ કરવા’ બાબતે.

અમેરિકા પર ટ્રમ્પનો બીજો હુમલો નિષ્પક્ષ કારોબારીની વિભાવના પર રહ્યો છે. આ ખાસ કરીને ન્યાય વિભાગના તેમના શસ્ત્રીકરણ અને રાજકીય વિરોધીઓ તેમજ કાયદા અને પોતાના વિવેકબુદ્ધિ મુજબ કામ કરનારા પ્રામાણિક અધિકારીઓને હેરાન કરવા માટે તેના ઉપયોગના પ્રયાસોમાં સાચું ઠરે છે. દરમિયાન, તેમણે ડેમોક્રેટ્સ દ્વારા ચલાવવામાં આવતાં રાજ્યોમાં આઈસીઈ એજન્ટો મોકલ્યા છે, જેઓ તેમની નીતિઓ સાથે સંમત ન હોય તેવાં નાગરિકોને ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કરે છે.  ટ્રમ્પનો ત્રીજો હુમલો અમેરિકન સૈન્ય પર રહ્યો છે.

કાયદા દ્વારા રાષ્ટ્રપતિના આદેશો લેવા માટે બંધાયેલા હોવા છતાં સૈનિકોએ કોઈ ખાસ પક્ષ સાથે અને કોઈ ખાસ રાજકારણી સાથે પોતાની ઓળખ જોડવાની હોતી નથી. ટ્રમ્પે ગયા વર્ષે પોતાના જન્મદિવસ સાથે સુસંગત દેશની રાજધાનીમાં લશ્કરી પરેડનું આયોજન કરીને આ પરંપરાનું ઉલ્લંઘન કર્યું હતું. કારણ કે, તે અધિકારીએ બઢતીઓને જાતિ અથવા વંશીય પૂર્વગ્રહથી મુક્ત રાખવાનો પ્રયાસ કર્યો હતો. તક્નિકી રીતે જોઈએ તો અમેરિકન સૈન્ય વિશ્વમાં સૌથી અદ્યતન છે, તેમ છતાં તેની સંસ્થાકીય ક્ષમતાઓ પર તેની કામગીરીને રાજકીય બનાવવાના આ પ્રયાસોથી ચોક્કસપણે પ્રતિકૂળ અસર પડી છે.

ટ્રમ્પનો ચોથો હુમલો પ્રેસની સ્વતંત્રતા પર રહ્યો છે. તેમણે કેટલાક મીડિયા-માલિકોને (સૌથી વધુ ચર્ચિત, વોશિંગ્ટન પોસ્ટના જેફ બેઝોસને) તેમના આઉટલેટ્સને તેમના વહીવટીતંત્ર અને તેમના પ્રત્યે વધુ સાનુકૂળ વલણ અપનાવવા માટે ડરાવ્યા છે. અન્ય કિસ્સાઓમાં, તેમણે મીડિયા આઉટલેટ્સ (ઉદાહરણ તરીકે, સીબીએસ) ને તેમના અંગત નજીકના અબજોપતિઓ દ્વારા કબજે કરવામાં સક્રિયપણે સુવિધા આપી છે, જેઓ તેમની ક્રિયાઓના ટીકાત્મક કવરેજને દબાવવાની સંભાવના ધરાવે છે.

ટ્રમ્પનો પાંચમો હુમલો તેમના દેશની બહુ-પ્રશંસિત યુનિવર્સિટીઓ પર રહ્યો છે. તેની શરૂઆત ત્યારે થઈ જ્યારે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ ગાઝામાં ઇઝરાયેલની નરસંહારની કાર્યવાહી સામે વિરોધ પ્રદર્શનો કર્યાં, જે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો હતાં, પરંતુ રાષ્ટ્રપતિને એટલો પ્રચંડ ગુસ્સો આવ્યો કે તેમણે ફેડરલ ફંડિંગ કાપવાની અને યુનિવર્સિટીના એન્ડોમેન્ટ્સ (દાનનિધિ) પર ટેક્સ લાદવાની ધમકી આપી હતી.

ટ્રમ્પ અમેરિકાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓને તેમના રાજકારણ અને તેમના પૂર્વગ્રહોને અનુરૂપ બનાવવા માંગે છે, ભલે તેનો અર્થ સ્વતંત્ર બૌદ્ધિક તપાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા છોડી દેવી હોય, જેણે આ યુનિવર્સિટીઓને ઉચ્ચ પ્રતિષ્ઠા આપી છે. (યુનિવર્સિટીઓ પર ટ્રમ્પના હુમલાઓ વ્યાપકપણે વિજ્ઞાન પરના તેમના હુમલાઓ સાથે સુસંગત છે. તેમના પ્રથમ કાર્યકાળમાં તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝના ડાયરેક્ટર એન્થોની ફૌચીના કોવિડ-19 રોગચાળાને સમાવવાના પ્રયત્નોને સતત નબળા પાડ્યા હતા. તેમની બીજી મુદતમાં તેમણે પેરાનોઇડ રસી-વિરોધી રોબર્ટ એફ. કેનેડી જુનિયરને તેમના આરોગ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા છે.

ટ્રમ્પનો છઠ્ઠો હુમલો તેમના દેશના સૌથી વિશ્વસનીય અને અડગ સાથીઓ પર રહ્યો છે. પાડોશી કેનેડા, જેની સાથે યુનાઇટેડ સ્ટેટ્સના હંમેશાં ઉત્તમ સંબંધો રહ્યા છે, તેણે પોતાને વ્યાપાર યુદ્ધો, જમીન પર કબજો કરવો અને ત્યાં સુધી કે તેમના વડા પ્રધાનને યુનાઇટેડ સ્ટેટ્સના 51મા ગવર્નર તરીકે ફરીથી નિયુક્ત કરી દેવા જેવી ધમકીઓનો સામનો કરવો પડ્યો છે. ઉત્તર એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) ના અન્ય સભ્યોની તેમની મજાક ચાલુ છે. નાટો 1949માં તેની સ્થાપના થઈ ત્યારથી એક સંયોજિત અને મોટા ભાગે ઘર્ષણમુક્ત જોડાણ રહ્યું હતું, જે પાછલા વર્ષમાં ગંભીર તણાવ હેઠળ આવ્યું છે. તેમનો વેરભાવ વ્યક્તિગત સ્વરૂપ ધારણ કરે છે, જેમાં યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન અને સ્પેનના વડા પ્રધાન સામે અપમાનજનક ટિપ્પણીઓનો સમાવેશ થાય છે.

છેલ્લે, ટ્રમ્પ દ્વારા રાષ્ટ્રપતિપદને જ ઇરાદાપૂર્વક નબળું પાડવાની યાદી આપવી જ જોઈએ. આ તેમની સોશ્યલ મીડિયા પોસ્ટ્સની અપમાનજનક ભાષામાં અને તેમના પરિવાર અને મિત્રોને સમૃદ્ધ બનાવવા માટે તેમના પદનો દુરુપયોગ કરવાની તત્પરતામાં પ્રગટ થાય છે. તેમણે જીવંત સ્મૃતિમાં અન્ય કોઈ પણ રાષ્ટ્રપતિ કરતાં તેમના પદને વધુ કલંકિત કર્યું છે. મને એક છેલ્લો મુદ્દો રજૂ કરવા દો. રાષ્ટ્રપતિ તરીકેની તેમની પ્રથમ મુદતમાં, ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી વાર વિચિત્ર અને તરંગી રીતે વર્ત્યા હતા. તેમની બીજી મુદતમાં, તેમની ક્રિયાઓને વધુ સચોટ રીતે જોખમી અને દૂષિત તરીકે દર્શાવી શકાય છે.

હું માનું છું કે તફાવત એ છે કે તે દરમિયાન તેમણે અને તેમના સલાહકારોએ-અગાઉના લોકશાહી માળખામાં કાર્યરત અન્ય સરમુખત્યારોની પદ્ધતિઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો છે અને સીધી રીતે તેનું અનુકરણ કરવાનો પ્રયાસ કર્યો છે-જેમ કે હંગેરીમાં વિક્ટર ઓર્બન, તુર્કીમાં રેસેપ એર્દોગન, ઇઝરાયેલમાં બેન્જામિન નેતન્યાહુ અને છેલ્લે, ભારતમાં નરેન્દ્ર મોદી, જેમણે ટ્રમ્પ પહેલાં, પ્રેસને ડરાવવા, ન્યાયપ્રણાલીને હથિયાર બનાવવા, સૈન્યનું રાજકીયકરણ કરવા, યુનિવર્સિટીઓ પર કબજો મેળવવા વગેરે માટે સખત મહેનત કરી હતી.

આ તમામ વ્યક્તિઓએ તેમના દેશની લોકશાહી ક્ષમતાઓને નબળી પાડી છે, સાથે સાથે વિશ્વમાં તેમના દેશનું સ્થાન પણ ઘટાડ્યું છે. પરંતુ કદાચ ઇતિહાસ ટ્રમ્પને સૌથી વધુ નુકસાન પહોંચાડનાર તરીકે ગણશે, કારણ કે પૃથ્વી પરના સૌથી ધનિક, સૌથી શક્તિશાળી, સૌથી વૈજ્ઞાનિક રીતે અદ્યતન અને સૌથી પ્રભાવશાળી દેશ હોવાને કારણે, યુનાઇટેડ સ્ટેટ્સ પાસે ગુમાવવા માટે ઘણું બધું હતું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top