Vadodara

ઈન્કમટેક્સ રિટર્નના નવા ફોર્મ જાહેર, હવે ITRમાં આપી શકાશે બે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી

ITR-1 સહજમાં મોટો સુધારો : રોકાણકારોને મોટી રાહત

શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાંથી થતા મર્યાદિત નફા માટે જટિલ ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં.

( પ્રતિનિધિ )વડોદરા,તા.14

આવકવેરા વિભાગે નવા ઇન્કમટેક્સ રિટર્ન (ITR) ફોર્મ જાહેર કરીને ટેક્સ ફાઈલિંગ સીઝનનો વિધિવત પ્રારંભ કર્યો છે. આ વખતે વિભાગે કરદાતાઓની સુવિધા માટે ફોર્મમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે, જેમાં સૌથી વધુ રાહત મધ્યમ વર્ગના રોકાણકારોને મળી છે. હવે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાંથી થતા મર્યાદિત નફા માટે જટિલ ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં.

અત્યાર સુધીના નિયમ મુજબ, જો કોઈ કરદાતાને શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાંથી લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન થતો હોય, તો ભલે તે રકમ ગમે તેટલી નાની હોય, તેમણે ફરજિયાતપણે ITR-2 ફોર્મ ભરવું પડતું હતું. ITR-2 ફોર્મ ઘણું લાંબુ અને જટિલ હોય છે. પરંતુ, નવા ફેરફાર મુજબ હવે જો તમારો LTCG નફો 1.25 લાખ સુધીનો હોય, તો તમે તેની વિગતો સીધી ITR-1 સહજમાં જ દર્શાવી શકશો. આનાથી લાખો નાના રોકાણકારોને સીએ ના ચક્કરમાંથી મુક્તિ મળશે અને તેઓ જાતે જ સરળતાથી રિટર્ન ફાઇલ કરી શકશે. કરદાતા અને વિભાગ વચ્ચેના સંવાદને વધુ મજબૂત બનાવવા માટે, નવા ફોર્મમાં હવે બે મોબાઈલ નંબર અને બે ઈમેલ આઈડી આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ઘણીવાર ટેક્સપેયર્સનો જૂનો નંબર બંધ થઈ જવાને કારણે મહત્વની નોટિસ કે ઓટીપી મળી શકતા નહોતા. હવે પ્રાઈમરી અને સેકન્ડરી સંપર્ક વિગતો આપવાથી ડેટા વેરિફિકેશન વધુ સુરક્ષિત અને પારદર્શક બનશે. જો તમે કોઈ રાજકીય પક્ષને દાન આપ્યું હોય અને તેના પર ટેક્સમાં છૂટ મેળવવા માંગતા હોવ, તો હવે માત્ર રસીદ પૂરતી નથી. નવા ફોર્મમાં જે-તે રાજકીય પક્ષનું નામ અને તેમનો PAN આપવો ફરજિયાત રહેશે. આ સુધારો નકલી દાન દ્વારા ટેક્સ ચોરી રોકવા માટે કરવામાં આવ્યો છે. જે કરદાતાઓ વિદેશમાં નોકરી કરીને ભારત પરત ફર્યા છે અને ત્યાંના રિટાયરમેન્ટ ફંડમાંથી આવક મેળવે છે, તેમણે હવે ફરજિયાત ITR-2 અથવા ITR-3 ફોર્મ ભરવું પડશે. નવા ફોર્મમાં કરાયેલા ફેરફારો ડિજિટલ ઈન્ડિયા અને પારદર્શિતા તરફનું એક મહત્વનું ડગલું છે. નોંધનીય છે કે, ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ નક્કી કરવામાં આવી છે.

Most Popular

To Top